બાળકોને સ્કૂલ બેગ, ચોપડા અને સ્ટેશનરી સહિતની કીટ તથા પૌષ્ટિક નાસ્તો આપી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરાયામોરબી : મોરબીના સેવાભાવી સંગઠનો દ્વારા સમાજના જરૂરિયાતમંદ વર્ગના બાળકોના શિક્ષણ માટે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. મોરબી ન્યૂમિસમેટિક ક્લબ અને સિંગાપોર સ્થિત મિલાપ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 11 જૂન 2026 ના રોજ મોરબી ખાતે સામાન્ય પરિવારના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ તથા પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકાર્યનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો અને તેમના ભણતરમાં આર્થિક અડચણ ન આવે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાળકોને સ્કૂલ બેગ, નોટબુક અને ચોપડા, કંપાસ બોક્સ, પેન, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો, એક્ઝામ પેડ, નાસ્તા બોક્સ અને વોટર બોટલ સહિતની શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. શૈક્ષણિક કીટની સાથે તમામ બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવ્યો હતો, જેથી તેઓ ઉત્સાહભેર અભ્યાસ કરી શકે.આ સેવાયજ્ઞમાં મોરબી ન્યૂમિસમેટિક ક્લબના સંસ્થાપક પ્રમુખ અને જાણીતા એડવોકેટ મિતેષ દવે, એડવોકેટ દર્શન દવે, એડવોકેટ કપિલદેવ પંડ્યા, યુવા લેખક પરમભાઇ જોલાપરા, શાળાના સંચાલક કિશોરભાઈ ફુલતરીયા અને શિક્ષક જીગ્નેશભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ક્લબના અન્ય સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમમાં સંબોધન કરતા મિતેષ દવેએ જણાવ્યું હતું કે, ન્યૂમિસમેટિક ક્લબ માત્ર ચલણી સિક્કા-નોટના સંગ્રહ પૂરતી સીમિત નથી, પરંતુ અમારો પ્રયાસ સમાજના છેવાડાના બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો છે. 'શિક્ષા અભિયાન' અંતર્ગત મિલાપ ફાઉન્ડેશન, સિંગાપોર સાથે મળીને આ પહેલ કરવામાં આવી છે. એક બાળક ભણશે તો એક પરિવારનો વિકાસ થશે અને આગળ જતા રાષ્ટ્રનો વિકાસ થશે. વધુમાં તેમણે વિદેશમાં વસતા ભારતીયો પણ પોતાની માતૃભૂમિના બાળકોની ચિંતા કરે છે તે બદલ મિલાપ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.નવી સ્કૂલ બેગ અને પુસ્તકો મળતાં બાળકોના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોવા મળી હતી. મોંઘવારીના સમયમાં બાળકોના અભ્યાસ માટે આ મદદ મળતા વાલીઓએ પણ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, મિતેષ દવે દ્વારા સ્થાપિત મોરબી ન્યૂમિસમેટિક ક્લબ સૌરાષ્ટ્રની નામાંકિત ન્યૂમિસમેટિક સંસ્થાઓમાંની એક છે. જે ચલણી નોટ-સિક્કાના સંગ્રહ, સંશોધન અને પ્રદર્શન સાથે સતત સામાજિક કાર્યો પણ કરતી રહે છે. જ્યારે મિલાપ ફાઉન્ડેશન, સિંગાપોર વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ચલાવવામાં આવે છે અને ભારતમાં શિક્ષણ, આરોગ્ય અને ગૌ-સેવાના ક્ષેત્રે કાર્યરત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી ન્યૂમિસમેટિક ક્લબના તમામ સભ્યો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNumismaticClub #MilapFoundation #Singapore #EducationKit #SocialWork #Charity #MorbiNews