ચૂંટાયેલા કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે સંકલન કરી મોરબીનો સર્વાંગી વિકાસ કરવા હાલક, ફોનમાં કે મૌખિક સૂચનાને બદલે ઓનલાઈન ફરિયાદ કરવા આગ્રહમોરબી : મોરબી કોર્પોરેશનની પ્રથમ ચૂંટાયેલ પાંખ દ્વારા સતાના સૂત્રો સંભાળી લીધાના બે અઠવાડીયા બાદ સોમવારે નવા ચૂંટાયેલા કોર્પોરેટરો અને અધિકારીઓ માટે કમિશનર દ્વારા પરિચય અને સંકલન માટે બેઠક યોજવામાં આવી હતી.જો કે, પ્રથમ બેઠકમાં જ ચૂંટાયેલા 52 પૈકી 35 જેટલા જ નગરસેવકો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, પ્રથમ બેઠકમાં જ કમિશનરે મહિલા નગરસેવકોને કોઈપણ કામ માટે તેઓના પતિદેવને આગળ નહિ ધરવા પણ સલાહ આપી કોઈપણ કામ માટે ટેલિફોનિક સૂચનાને બદલે ઓનલાઈન ફરિયાદ કરવા પણ સ્પષ્ટ કર્યું હતું.મોરબી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ દોઢ વર્ષથી ચૂંટાયેલ પાંખ વગર જ વહીવટી કામગીરી ચાલી રહી છે ત્યારે હવે ચૂંટાયેલ પાંખ શાસનમાં આવતા જ કમિશનર સંગીતા રૈયાણીએ સોમવારે તમામ ચૂંટાયેલા નગરસેવકો અને અધિકારીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તેમજ તમામ અધિકારીઓ અને તેમની કામગીરીનો પરિચય થાય તે માટે ખાસ બેઠક યોજી હતી.જો કે, બેઠક એક કલાક મોડી શરૂ થતાં કેટલાક કોર્પોરેટર ચાલ્યા ગયા હતા.જો કે, આમ છતાં આજની બેઠકમાં 52 પૈકીના માત્ર 35 જેટલા કોર્પોરેટર જ હાજર રહેતા આશ્ચર્ય સર્જાયું હતું.આ પરિચય કમ સંકલન બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે મહિલા સભ્યોને સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોઈપણ કામ હોય કે ભલામણ હોય તો ચૂંટાયેલા નગરસેવકે જ કરવાની રહેશે તેમના પતિદેવનો હસ્તક્ષેપ નહિ ચલાવવામાં આવે.સાથે જ લાઈટ, પાણી , ભૂગર્ભ, સફાઈ સહિતની કોઈપણ ફરિયાદ કે, કામ માટે ટેલિફોનિક કે મૌખિક સુચનાને બદલે કોર્પોરેશનના ફોર્મેટ મુજબ ઓનલાઈન ફરિયાદ કરવાનું જણાવી રાબેતા મુજબ જ પ્રાયોરિટી નક્કી કરી કામગીરી કરવામાં આવશે તેમ પણ સ્પષ્ટ કર્યું હતું. આ તકે મેયર ઉત્તમ સુરાણીએ મોરબીને સ્વચ્છ, સુંદર અને સ્માર્ટ બનાવવા ચૂંટાયેલા સભ્યો , પદાધિકારી અને અધિકારીઓ સાથે સંકલનમાં રહીને કાર્ય કરવા જણાવ્યું હતું