ફોર્મમાં માત્ર એસસી, એસટી અને અન્યનો જ વિકલ્પ, સાચી વસ્તી બહાર નહિ આવે તેવી ભીતિ સાથે વસ્તી ગણતરી સ્થગિત કરવા ઓબીસી સમાજની માંગમોરબી : કેન્દ્ર સરકાર દ્વારા હાલ 2026ની વસ્તી ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે મોરબીમાં ગત તારીખ 01/06/2026 થી ઓફલાઈન વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. આ ગણતરીના ફોર્મમાં ઓબીસી (OBC) નો વિકલ્પ આપવામાં ન આવતા મોરબી સમસ્ત ઓબીસી સમાજ દ્વારા કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.આવેદનમાં જણાવ્યા મુજબ, મોરબી તાલુકા અને શહેર વિસ્તારમાં શિક્ષકો દ્વારા મકાન અને વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરીના ફોર્મમાં કોલમ નંબર 12 (જાતિ) માં માત્ર એસસી, એસટી અને અન્યનો જ ઉલ્લેખ છે, પરંતુ ઓબીસીનો કોઈ અલગ વિકલ્પ નથી. સમાજના આગેવાનોનું કહેવું છે કે, જો ઓબીસીનો વિકલ્પ જ ફોર્મમાં નહિ હોય તો ગુજરાતમાં ઓબીસી સમાજની સાચી વસ્તી કેટલી છે તેનો કોઈ દિવસ સાચો આંકડો મળી શકશે નહિ.વધુમાં એવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે કે ઓબીસી સમાજના અભણ અને પૂરતું અક્ષરજ્ઞાન ન ધરાવતા લોકો પાસે જઈને ગણતરી કરનાર કર્મચારીઓ પોતાની રીતે 'અન્ય' વિકલ્પ પસંદ કરી લે છે. આ બાબતને ઓબીસીની વસ્તી ઓછી બતાવવાના એક મોટા ષડયંત્ર અથવા ઓબીસી કેટેગરી કાઢી નાખવાની પૂર્વ તૈયારી સમાન ગણાવવામાં આવી છે. સરકાર દ્વારા 27 ટકા અનામતનો લાભ મેળવતા આ વર્ગની સાચી વસ્તી બહાર આવે તે માટે ફોર્મમાં જ્યાં સુધી ઓબીસી વિકલ્પ ઉમેરવામાં ન આવે ત્યાં સુધી આ વસ્તી ગણતરી સ્થગિત રાખવા કલેક્ટર પાસે લેખિત માંગ કરવામાં આવી છે.અધિકારીનું શું કહેવું છે?વસ્તી ગણતરી નોડલ આકાશ દલવાણીના જણાવ્યા અનુસાર આ ગણતરીનું ફોર્મેટ દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓ અને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. હાલ આખા દેશમાં અને અનેક રાજ્યોમાં આ જ પ્રકારે વસ્તી ગણતરી ચાલુ થઈ ગઈ છે. હાલની ગણતરીમાં એસસી અને એસટી સિવાયના તમામ લોકોનો 'અન્ય' (Others) માં જ સમાવેશ થાય છે. અધિકારીએ ઉમેર્યું હતું કે, બીજા રાઉન્ડમાં કદાચ વધુ ડીપમાં વિગતો લેવામાં આવી શકે છે. આ માત્ર આંકડાકીય માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા છે, આનાથી કોઈનો ઓબીસી દરજ્જો કે તેના કોઈ લાભ છીનવાઈ જશે તેવો ડર રાખવાની જરૂર નથી. વધુમાં, વસ્તી ગણતરીમાં લોકો પાસે કોઈ આઈડી પ્રૂફ કે પુરાવા માંગવામાં આવતા નથી, નાગરિકો જે મૌખિક માહિતી આપે તે માત્ર ફોર્મમાં નોંધી લેવામાં આવે છે.#Morbi #MorbiUpdate #Census2026 #OBCSamaj #MorbiNews #Gujarat