આરોગ્ય વિભાગ દ્વારા 8 જૂનથી 18 જૂન સુધી ચાલનારા આ અભિયાન હેઠળ 2,74,998 થી વધુ નાગરિકોનું કરાશે સ્ક્રીનિંગમોરબી: મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે 8 જૂનથી 18 જૂન દરમિયાન 'લેપ્રસી કેસ ડિટેક્શન' કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા લેપ્રસી અધિકારીના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર, સો ઓરડી ખાતેથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોર્પોરેટર મેઘરાજ સિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર સુરેશ સિરોહિયા, મીડિયાના સાહુન પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી. કે. શ્રીવાસ્તવ, અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. શ્યામ સોમૈયા, જિલ્લા ક્ષય કેન્દ્રમાંથી DPC પિયુષ જોશી અને લેપ્રસી પેરા મેડિકલ વર્કર ધર્મેન્દ્ર વાઢેર હાજર રહ્યા હતા.લેપ્રસીના કારણે દર્દીની શારીરિક, માનસિક અને આર્થિક અવદશા ન થાય અને તેમને સમયસર સારવાર તેમજ સહાય મળી રહે તે હેતુથી આ અભિયાન શરૂ કરાયું છે. આ ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય, આશા વર્કર અને પુરુષ સ્વયંસેવકોની વિશેષ ટીમો પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે. આ ટીમો પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરશે અને નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવશે.રાજ્યના નિયત કરેલા 22 લો એન્ડેમિક જિલ્લામાં મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. મોરબીના કુલ 5 તાલુકાના 107 ગ્રામ્ય વિસ્તાર અને પોકેટ એરિયામાં આ અભિયાન ચાલશે. જિલ્લાની 156 ટીમો દ્વારા અંદાજિત 2,74,998 નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. સર્વે દરમિયાન જો કોઈ પણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે, તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC), જનરલ હોસ્પિટલ અથવા સરકારી મેડિકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવશે.#Morbi #MorbiUpdate #LeprosyDetection #MorbiHealth #PublicHealth #HealthCampaign #MorbiNews #GujaratNews