ખેડૂતોની અટકાયતથી રોષે ભરાયેલી મહિલાઓ અને ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા, મોરબી-માળિયા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગીમોરબી: જેતપર ગામના ખેડૂતો અને વીજ કંપની વચ્ચે ચાલી રહેલો વળતરનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા ઘર્ષણ બાદ આજે ખેડૂતો અને મોટી સંખ્યામાં મહિલાઓએ અણીયારી ટોલનાકા પાસે પહોંચીને હાઇવે પર ચક્કાજામ કરી દીધો છે. માળિયા અને કચ્છને જોડતા આ મુખ્ય હાઇવે પર ટ્રાફિક જામ થતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.વીજ કંપની પર દાદાગીરીનો આક્ષેપપ્રાપ્ત માહિતી મુજબ, જેતપર ગામના ખેડૂતોના ખેતરમાં વીજ કંપની દ્વારા હાઈટેન્શન લાઈન અને ટાવર ઉભા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેનો ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપની તેમની મંજૂરી વગર અને યોગ્ય વળતર આપ્યા વિના દાદાગીરીથી ખેતરોમાં કામ કરી રહી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત કરતા મામલો વધુ ગરમાયો હતો અને રોષે ભરાયેલું આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું છે.મહિલાઓ રસ્તા વચ્ચે બેસી ગઈ, પોલીસ કાફલો દોડી ગયોખેડૂતોની અટકાયતના વિરોધમાં ગામની મહિલાઓ અને અન્ય લોકો મોરબી-માળિયા હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રસ્તાની વચ્ચોવચ બેસીને હાઇવે સંપૂર્ણપણે બ્લોક કરી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. પોલીસ દ્વારા રસ્તા પર બેસેલી મહિલાઓ અને ખેડૂતોને સમજાવવાનો અને હાઇવે ખુલ્લો કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ખેડૂતોની સ્પષ્ટ માંગજોકે, આંદોલનકારીઓની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી અટકાયત કરાયેલા ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં નહિ આવે અને ખેડૂતોની સંમતિ વગર ચાલતી વીજ કંપનીની કામગીરી અટકાવવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ રસ્તો ખુલ્લો નહિ કરે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે સરકાર કે કંપની આ રીતે બળજબરીપૂર્વક ખેડૂતોની જમીનમાં ઘૂસી શકે નહીં. હાલ ઘટનાસ્થળે ભારે તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #ChakkaJam #GujaratNews #MorbiHighway #MaliyaHighway #KutchHighway