15 દિવસ પહેલા ઉદઘાટન થયેલ કચેરીમાં મેયર ચેમ્બર પાસે જ પોલ ખુલી : બિલ્ડીંગ વિભાગે કહ્યું હજુ બિલ્ડીંગ સંભાળ્યું નથી, કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરશુંમોરબી : મોરબી કોર્પોરેશનના શ્રાપિત ગણાતા નવા બિલ્ડીંગના ઉદ્દઘાટનના 15 દિવસમાં જ નવા નકોર બિલ્ડીંગમાં મેયરની ચેમ્બર પાસે દીવાલમાં પોપડા ઉખડવાનું શરૂ થતા આશ્ચર્ય સર્જાયું છે. અધૂરા બિલ્ડીંગમાં અંદાજે રૂ.3.50 કરોડના ખર્ચ બાદ 15 દિવસમાં જ કલર ઉખડવા લાગતા બિલ્ડીંગ વિભાગ હરક્તમાં આવ્યો છે. જો કે, કોન્ટ્રાકટર પાસેથી હજુ બિલ્ડીંગ સંભાળવામાં ન આવ્યું હોવાના બહાના પણ તંત્ર આગળ ધરી રહ્યું છે.મોરબી નગરપાલિકા સમયમાં નિર્માણ શરૂ થયું હતું તેવા અધૂરા બિલ્ડીંગનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટે કોર્પોરેશને અંદાજે 3.5 કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ પૂર્ણ કરાવી 15 દિવસ પૂર્વે અહીં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની ચેમ્બર શરું કરાવી છે. જો કે, 15 દિવસમાં જ અહીં મેયર ચેમ્બર બહાર દિવાલમાંથી કલર પોપડાં ઉખડવાના શરૂ થતા કામની ગુણવત્તા ઉપર સવાલો ઉઠ્યા છે.હજુ ચોમાસુ બેઠું નથી અને ભેજ પણ નથી તેમ છતાં દીવાલમાં ફરફોલા પડી ગયા હોય તેમ કલર ઉપસી આવ્યો છે અને પોપડાં ખરવાની શરૂઆત થઈ છે.પોપડાં પડવા અંગે બિલ્ડીંગ વિભાગના દીપ ફળદુએ કહ્યું હતું કે, હજુ કોન્ટ્રાકટર પાસેથી બિલ્ડીંગનો કબજો લેવાયો નથી.કબજો લેવામાં આવશે ત્યારે તમામ બાબતો ચકાસણી કરવામાં આવશે.સાથે જ પોપડાં પડવા મામલે તપાસ અને કાર્યવાહી કરવાનું જણાવ્યુ હતું.