શાળાના 120 શિક્ષકોએ મેળવી તાલીમ: શિક્ષણવિદો, સાહિત્યકારો અને વહીવટી નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન અપાયુંમોરબી: સાર્થક વિદ્યામંદિર ખાતે 02 જૂનથી 06 જૂન દરમિયાન 'સાર્થક પ્રશિક્ષણ સપ્તાહ' અંતર્ગત 5 દિવસીય શિક્ષક ટ્રેનિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ શિબિરમાં શાળાના 120 શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈને શિક્ષણ અને વ્યવસ્થાપનને લગતા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક તાલીમ મેળવી હતી. પ્રશિક્ષણના પ્રથમ દિવસની શરૂઆત 'વાત વ્યવસ્થાપન' મુદ્દાથી થઈ હતી, જેના પર શાળાના સંચાલક કિશોર શુક્લે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતાએ 'સંગઠનથી સફળતા' અને 'શિક્ષક શાળાનો અરીસો' વિષય પર શિક્ષકોને પ્રેરણાદાયક માહિતી આપી હતી. બીજા દિવસના રોજ 'ભાષા સજ્જતા' વિષય પર ગુજરાતના જાણીતા વક્તા અને ભાષા નિષ્ણાંત રાજેશ ધામેલિયાએ વિશેષ પ્રશિક્ષણ પૂરું પાડ્યું હતું.તાલીમના ત્રીજા દિવસે જાણીતા સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમજ પ્રકાશ જાદવે સાહિત્ય ક્ષેત્રની વાતોથી શિક્ષકોને હળવાશનો અનુભવ કરાવ્યો હતો. સાથે જ શાળાના મુખ્ય સંચાલક કિશોર શુક્લે 'કો-એજ્યુકેશન અને સહજ શિસ્ત' વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી અને સ્ટાફને સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ (ERP) ની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. ચોથા દિવસે શાળાના પ્રિન્સિપાલ ગણેશ કંઝારીયાએ શિક્ષકોને સમગ્ર વાર્ષિક આયોજન તેમજ વહીવટી કાર્યો માટે 'વહીવટી સજ્જતા' વિશે વિગતવાર સમજૂતી આપી હતી.પ્રશિક્ષણના અંતિમ અને પાંચમા દિવસના રોજ શાળામાં નવા જોડાયેલા શિક્ષકોને એપોઇન્ટમેન્ટ લેટર આપી, તિલક કરી અને મોં મીઠા કરાવીને આવકારવામાં આવ્યા હતા. આ તકે નવા અને જૂના શિક્ષકોનો પરિચય કાર્યક્રમ યોજાયો હતો. કાર્ય કટિબદ્ધતા અંતર્ગત 'સાર્થક સંવિધાન' થકી દરેક શિક્ષકોએ શાળા અને પોતાના કામ પ્રત્યેની વફાદારી માટે પ્રતિજ્ઞા લીધી હતી. અંતમાં 'તન અને મનની દુરસ્તી' જેવા વિશેષ મુદ્દાઓ પર જ્ઞાન મેળવીને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.#Morbi #MorbiUpdate #SarthakVidyamandir #TeacherTraining #EducationNews #MorbiEducation #GujaratNews