પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા સહિતના દ્વારા પોલીસ અને કંપનીની દાદાગીરી સામે ખેડૂતોને કાયદાકીય માર્ગદર્શન અપાશેમોરબી : વીજલાઈન અને ટ્રાન્સમિશન લાઈન નાંખવા બાબતે ખેડૂતો અને કંપનીઓ વચ્ચેનો વિવાદ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 15/06/2026 ના રોજ સમગ્ર ગુજરાતના ખેડૂતોને પોતાના હક્ક માટે ટ્રેક્ટર લઈને ગાંધીનગર કૂચ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ આંદોલનની રણનીતિ ઘડવાના ભાગરૂપે આજે 07/06/2026 ના રોજ મોરબીના જેતપર (મચ્છુ) ગામે ગ્રામજનો અને ખેડૂતોની એક મહત્વપૂર્ણ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.ખેતરોમાંથી પસાર થતી વીજલાઈન અને ટ્રાન્સમિશન લાઈન મુદ્દે પોલીસ અને કંપનીની દાદાગીરીનો સામનો કરી રહેલા ખેડૂતોને તેમના કાયદાકીય હક્કો વિશે આ મીટીંગમાં વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ખેડૂતોની વેદના અને સરકારની તાનાશાહી નીતિઓ સામે વિરોધ નોંધાવવા તેમજ 15 તારીખની ગાંધીનગર કૂચને સફળ બનાવવા માટે આગામી રૂપરેખા અને રણનીતિ તૈયાર કરવામાં આવશે.આજે 07/06/2026, રવિવારના રોજ રાત્રે 9:00 કલાકે જેતપર (મચ્છુ) ના રામજી મંદિર ખાતે આ બેઠક યોજાશે. જેમાં કિસાન નેતાઓ અને આગેવાનો પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટિયા, જયેશભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ અને જેનીબેન ઠુમ્મર ખાસ ઉપસ્થિત રહીને ખેડૂતોને સંબોધિત કરશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ યોજાઈ રહેલી આ બેઠકમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #KisanSangharshSamiti #GujaratFarmers #GandhinagarMarch #AgricultureNews #MorbiNews1