કુલ 5 અજાણ્યા લોકો ઘરે ધસી આવ્યા, 4 શખ્સો પતિને ધમકાવી દૂર લઈ ગયા, એક શખ્સે શિયળ લૂંટયું : કાયદો-વ્યવસ્થાના લીરા ઉડાડતી ઘટનામોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ચોંકાવનારી અને શર્મજનક ઘટના સામે આવી છે. અહીં રહેતી યુવતી ઉપર તેના પતિ અને બાળકની હાજરીમાં જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટના 4 જૂનની રાત્રિના સમયે બની હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, અન્ય જિલ્લાનું વતની દંપતિ હાલ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં વાડીમાં રહીને મજૂરી કામ કરતું હતું. ગત તા.4ના રાત્રિના સમયે 5 અજાણ્યા શખ્સો તેમના ઘરે ધસી આવ્યા હતા. આ શખ્સોએ મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમને પકડી લીધા હતા. ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 4 શખ્સોએ તેના પતિને ધમકાવીને દબાવી રાખ્યો હતો, જ્યારે 1 શખ્સે મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ હૃદયદ્રાવક ઘટના બની ત્યારે મહિલાનું 2 વર્ષનું માસૂમ બાળક પણ ત્યાં હાજર હતું.ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવ્યા છે. આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર મહિલા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલના તબક્કે આરોપીઓની કોઈ ચોક્કસ ઓળખ થઈ શકી નથી, પરંતુ પોલીસે ગુનો નોંધીને અજાણ્યા નરાધમોને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.#MorbiUpdate #MorbiNews #CrimeNews #MorbiCrime #GujaratPolice #Morbi