દેશની ચોથી સૌથી મોટી કંપનીના ચેરમેન રાજેશ મહેતા પર ફંડના ડાયવર્ઝન અને ખોટી રીતે રેવન્યુ વધારવાના ગંભીર આરોપો : અબજોપતિ બિઝનેસમેન રાજેશ મહેતાના પિતા 1946માં મોરબી છોડી બેંગલોર ગયા હતામોરબી: ભારતની આવકની દ્રષ્ટિએ ચોથી સૌથી મોટી કંપની રાજેશ એક્સપોર્ટ હાલમાં માર્કેટ રેગ્યુલેટર સેબીની કડક તપાસ હેઠળ આવી છે. કંપની અને તેના પ્રમોટર રાજેશ મહેતા પર કંપનીના ફંડને અંગત ખાતામાં ડાયવર્ટ કરવા અને ખોટી રીતે આવક વધારીને બતાવવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આ કૌભાંડ રૂ.15.15 લાખ કરોડનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે હજુ આ મામલે સતાવાર વિગતો સામે આવી નથી. બીજી ખાસ વાત એ છે કે આ કંપનીના ચેરમેન અને અબજોપતિ બિઝનેસમેન રાજેશ મહેતાના પરિવારજનો એક સમયે મોરબી રહેતા હોવાની માહિતી મળી છે.મુખ્ય આરોપો અને નાણાકીય ગેરરીતિની વિગતોસેબીના રિપોર્ટ અનુસાર, કંપનીએ વર્ષો દરમિયાન 15.15 લાખ કરોડ રૂપિયાની આવક ખોટી રીતે દર્શાવીને રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા છે. આ ઉપરાંત, કંપનીએ 1,035 કરોડ રૂપિયાના ગોલ્ડ માઇન રોકાણો દર્શાવ્યા છે જે બોગસ હોવાની શંકા છે. તપાસમાં એવો પણ આરોપ છે કે ચેરમેન રાજેશ મહેતા દ્વારા કરાયેલા અંગત ગોલ્ડ ટ્રેડિંગને કંપનીના કોર્પોરેટ સેલ્સ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. વધુમાં, 2021-22 થી 2023-24 વચ્ચે એફલયન્સ શેર એન્ડ સ્ટોકસ નામના બ્રોકર સાથે 11,487 કરોડ રૂપિયાનું વેચાણ બતાવવામાં આવ્યું હતું, પરંતુ બ્રોકરે રાજેશ એક્સપોર્ટ સાથે કોઈપણ બિઝનેસ કર્યો હોવાનો ઇનકાર કર્યો છે. એપ્રિલ 2020 થી સપ્ટેમ્બર 2025 વચ્ચે 338.90 કરોડ રૂપિયા સીધા રાજેશ મહેતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.આવક અને નફામાં મોટો તફાવતકંપનીની આવક અને નફામાં જોવા મળતો મોટો તફાવત પણ શંકાના ઘેરામાં છે. નાણાકીય વર્ષ 2025 માં રાજેશ એક્સપોર્ટની કુલ આવક 4.23 લાખ કરોડ રૂપિયા હતી, જ્યારે તેનો નફો માત્ર 95 કરોડ રૂપિયા હતો, જે દર્શાવે છે કે કંપનીનું નેટ માર્જિન માત્ર 0.02% હતું. નાણાકીય વર્ષ 2024 માં કંપનીએ 2.8 લાખ કરોડ રૂપિયાની આવક સામે 336 કરોડ રૂપિયાનો નફો દર્શાવ્યો હતો, જે નિષ્ણાતોના મતે કંપનીનું માર્જિન સામાન્ય કરતા ખૂબ જ નહિવત્ હોવાનું સૂચવે છે. સેબીના જણાવ્યા મુજબ, રાજેશ એક્સપોર્ટની 97% થી 99% આવક વિદેશી સબસિડિયરી, ખાસ કરીને સ્વિસ કંપની Valcambi પર આધારિત દર્શાવવામાં આવી હતી. Valcambi માત્ર ગ્રાહકો માટે સોનું રિફાઇન કરે છે અને સોનાની માલિકી ધરાવતી નથી, તેથી તે પોતાની બુક્સમાં સોનાની કિંમતને આવક તરીકે માન્યતા આપતી નથી. જોકે, તેની પેરેન્ટ કંપની GGR દ્વારા ગ્રાહકોના સોનાની કિંમતનો સમાવેશ કરીને કરોડોની આવક બતાવવામાં આવી હતી અને રાજેશ એક્સપોર્ટ એ આ અન-ઓડિટેડ આંકડા પોતાની ફાઇનાન્શિયલ બેલેન્સશીટમાં ઉમેરી દીધા હતા.મેનેજમેન્ટ અને ઓડિટર્સની શંકાસ્પદ ભૂમિકામાર્ચ 2024 માં એક શેરહોલ્ડરની ફરિયાદ બાદ આ કેસની શરૂઆત થઈ હતી અને સેબીએ તપાસ માટે BDO India Services ને ફોરેન્સિક ઓડિટર તરીકે નિયુક્ત કર્યા હતા. કંપનીના સિનિયર મેનેજમેન્ટ, જેમાં મેનેજિંગ ડિરેક્ટર સુરેશ ગોવડાનો પણ સમાવેશ થાય છે, તેમણે જણાવ્યું હતું કે વિદેશી કામગીરીની તેમને કોઈ જાણકારી નહોતી અને તે બધુ માત્ર રાજેશ મહેતા સંભાળતા હતા. ઓડિટના સમયે કંપની દ્વારા ERP સિસ્ટમ્સનો એક્સેસ આપવામાં ન આવતા તપાસમાં અડચણો આવી હતી. આ ઉપરાંત, સ્ટેચ્યુટરી ઓડિટર્સ પીવી રમના રેડી અને પીએલ વેંકટાડરીએ પણ સેબીની માંગણી મુજબ દસ્તાવેજો આપવામાં 5 મહિના જેટલો વિલંબ કર્યો હતો અને તપાસમાં સહકાર આપ્યો ન હતો.કંપનીનો બચાવજોકે, રાજેશ એક્સપોર્ટ એ એક પ્રેસ રિલીઝ મારફતે આ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં દર્શાવેલી આવક એકદમ સાચી છે અને સેબી દ્વારા Valcambi ની આવક અને EBITDA વચ્ચે થયેલી ગેરસમજને કારણે આ વિવાદ ઉભો થયો છે. 2,900 કરોડ રૂપિયાથી વધુનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી આ કંપનીનો વિવાદ હાલ ભારતીય શેરબજારના સૌથી મોટા કથિત ગેરરીતિના કેસોમાંનો એક બની ગયો છે.મોરબી સાથે જોડાયેલું છે રાજેશ મહેતાનું ફેમિલી બેકગ્રાઉન્ડઆ ચકચારી કેસના મુખ્ય સૂત્રધાર રાજેશ મહેતાના પરિવારનો ઇતિહાસ મોરબી સાથે સીધો જોડાયેલો છે. તેમનો જન્મ 20 જૂન 1964ના રોજ બેંગલોરમાં એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં જસવંતરાય મહેતા અને ચંદ્રિકાબેન મહેતાને ત્યાં થયો હતો. તેમના પિતા જશવંતરાય મહેતા વર્ષ 1946 માં મોરબીથી સ્થળાંતર કરીને બેંગલોર સ્થાયી થયા હતા અને ત્યાં એક ખાનગી પેઢીમાં નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે નોકરી છોડીને 'રાજેશ ડાયમંડ કંપની' ના નામે ગુજરાતમાં સેમી-પ્રેશિયસ સ્ટોન્સ (કિંમતી પથ્થરો) નો નાનો વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતના સમયમાં રાજેશ મહેતાએ પોતાના ભાઈ પ્રશાંત સાથે પિતાનો બિઝનેસ સંભાળ્યો અને મોટા ભાઈ બિપિન પાસેથી 1,200 રૂપિયા ઉધાર લઈને ચાંદીનો વેપાર શરૂ કર્યો હતો. તેઓ ચેન્નાઈથી દાગીના ખરીદીને રાજકોટમાં પોતાના સંબંધીઓને નફા સાથે વેચતા હતા અને ધીમે-ધીમે ગુજરાતના હોલસેલર્સ અને રીટેલર્સને જ્વેલરી વેચવાનું શરૂ કરીને આ બિઝનેસ મોટો કર્યો હતો. બાદમાં વર્ષ 1989 માં તેમણે સોનાના દાગીના બનાવવાનું યુનિટ શરૂ કર્યું જેને 'રાજેશ એક્સપોર્ટ' નામ આપવામાં આવ્યું હતું.#RajeshExports #Sebi #StockMarket #FinancialFraud #IndianShareMarket #MorbiUpdate #BusinessNews #GujaratiNews #RajeshMehta