જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા દવાખાનાઓ અને દુકાનોની બહાર ગંદા પાણીના ખાબોચિયા ભરાયા: ઓનલાઈન ફરિયાદ નિવારણના મેસેજ મળ્યા છતાં સમસ્યા યથાવતમોરબી: મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ પર, જુના બસ સ્ટેન્ડ પાસે અનેક દવાખાનાઓ અને દુકાનો આવેલી છે. આ વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ડો. એલ. સી. પટેલ અને સ્થાનિક વેપારીઓએ આ મામલે મહાનગરપાલિકામાં લેખિત અને ઓનલાઈન રજૂઆતો કરી છે, તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.સ્થાનિકો દ્વારા તંત્રને ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને મોબાઈલ પર મેસેજ મોકલીને જાણ કરવામાં આવી છે કે આ ફરિયાદનું સ્ટેટસ 'OK' છે, એટલે કે તંત્રના ચોપડે સમસ્યા હલ થઈ ગઈ છે. પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત છે. આજે પણ દવાખાનાઓ અને દુકાનોની બહાર ગટરના ગંદા પાણી ભરાયેલા જોવા મળે છે.ડો. એલ. સી. પટેલ દ્વારા લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે કે સફાઈ કામદાર આવીને સફાઈ કરી ગયા હોવા છતાં ગટર હજુ પણ ઉભરાય છે. જેથી મશીનથી ગટર સાફ કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે. ગટરના ગંદા પાણી અને દુર્ગંધના કારણે દવાખાને આવતા દર્દીઓને સાજા થવાના બદલે બીમારી વધવાનો ભય સતાવી રહ્યો છે. ગંદકીના કારણે ગ્રાહકો ન આવતા વેપારીઓના ધંધા-રોજગાર પર પણ માઠી અસર પડી રહી છે. તંત્રની કામગીરી અને ઓનલાઈન મેસેજ વચ્ચેના આ વિરોધાભાસથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે વેપારીઓ અને ડોક્ટરો દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #DrainageIssue #MorbiMahanagarpalika #CivicIssues #PublicHealth