ખેડૂતોને આતંકવાદીની જેમ પોલીસ પકડી ગઈ, તંત્ર સાથે થયેલી વાતચીત મુજબ થોડી વારમાં ખેડૂતોને મૂકી જવાશે : પંકજભાઈ રાણસરિયામોરબી : જેતપર ગામે વીજલાઈનના કામનો વિરોધ કરી રહેલા ખેડૂતોની પોલીસે અટકાયત કર્યા બાદ મામલો ગરમાયો છે. ખેડૂતોએ જેતપર નજીક ચક્કાજામ કરી દીધો છે. ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી માનભેર ડિટેઇન કરાયેલા ખેડૂતોને પોલીસ પરત મુકવા નહિ આવે ત્યાં સુધી આ ચક્કાજામ હટાવવામાં નહિ આવે. આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયાએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર દ્વારા ખેડૂતોને આતંકવાદીઓની જેમ પોલીસ વાનમાં ભરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આ અટકાયતની ઘટનાના વિરોધમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરીને રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પંકજભાઈ રાણસરિયાએ સ્પષ્ટ કર્યું કે સમાજમાં ખેડૂતનો દીકરો સૌથી સન્માનનીય છે. જે રીતે પોલીસ ખેડૂતોને લઈ ગઈ છે, તે જ રીતે પૂર્ણ સન્માન સાથે તેમને ગામના પાદરમાં પરત ઉતારવામાં આવે તેવી તમામ ગ્રામજનોની માંગ છે. જ્યાં સુધી ખેડૂતોને સન્માનભેર પરત પાદરમાં લાવવામાં ન આવે ત્યાં સુધી આ ચક્કાજામ યથાવત રાખવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તંત્ર સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું છે કે થોડી વારમાં ખેડૂતોને જે બસમાં લઈ જવામાં આવ્યા હતા તેમાં જ બેસાડીને પરત ગામમાં લાવવામાં આવશે. એકવાર ખેડૂતો ગામના પાદરમાં સન્માનભેર પરત ફરે ત્યારબાદ રસ્તો ખુલ્લો કરવામાં આવશે. ત્યારબાદ ખેડૂતો અને ગ્રામજનો સાથે બેસીને એક કમિટી દ્વારા આગળની રણનીતિ ઘડવામાં આવશે કે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને ખેડૂતોના પ્રશ્નો અંગે યોગ્ય રજૂઆત કરી શકાય.#Morbi #MorbiUpdate #FarmersProtest #PankajRansariya #ChakkaJam #AAPGujarat #GujaratNews #MorbiNews