ચરાડવા નજીક 5 લોકોનો જીવ લેનાર ગમખ્વાર અકસ્માતની સંપૂર્ણ વિગતો, વાંચો...હળવદ : હળવદના ચરાડવા નજીક ગત રાત્રીના એક કાર ધડાકાભેર ડમ્પર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ બે લોકોના બાદમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના આમ કુલ 5 લોકોના જીવ ગયા છે. આ અકસ્માતની કહાની ભલભલાને આશ્ચર્યમાં મૂકી દયે તેવી છે.પહેલા પરેશભાઈ દઢૈયા નામના યુવાનને બાઇકમાં અકસ્માત નડ્યોપરેશભાઈ દિલીપભાઈ દઢૈયા નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે માનસર નજીક તેને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેને ઇજાઓ પહોંચતા તુરંત હળવદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ અંગે તેના પિતા દિલીપભાઈ ભગવાનજીભાઈ દઢૈયાને જાણ થઈ ત્યારે તેમની સાથે તેમના મિત્રો અને સંબંધીઓ પણ હતા. તમામ લોકો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. પરેશભાઇને માથાના ભાગે પણ ઇજા પહોંચી હોવાથી હોસ્પિટલેથી તેમને સિટી સ્કેન કરાવવા માટે કહ્યું હતું. આ વેળાએ ત્યાં હાજર લોકોએ એમ્બ્યુલન્સને બદલે કારમાં મોરબી ખાતે જઈ સિટી સ્કેન કરાવી આગળની સારવાર લેવાનો નિર્ણય લીધો હતો. રસ્તામાં કારને ભયાનક અકસ્માત નડ્યો અને 5 લોકોના જીવ ગયાહળવદ સરકારી હોસ્પિટલ ખાતેથી ઈજાગ્રસ્ત પરેશભાઈ દિલીપભાઈ દઢૈયાને જીજે 36 એએફ 7075 નંબરની કિયા સેલટોસ કારમાં સાથે લઈ તેમના પિતા દિલીપભાઈ ભગવાનજીભાઈ દઢૈયા, સુરેશ વિસાભાઈ સિહોરા, વિરમ ભીમાભાઈ દઢૈયા, પ્રેમજીભાઈ શંકરભાઈ દઢૈયા, ભરતભાઈ પ્રભુભાઈ દઢૈયા, પ્રકાશ ભરતભાઇ દઢૈયા મોરબી આવવા માટે નીકળ્યા હતા. ત્યારે ચરાડવા નજીક નાયરા પેટ્રોલ પમ્પ સામે એક ડમ્પર ફેક્ટરીમાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહ્યું હતું. ત્યાં કાર ધડાકાભેર ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકો તથા સારવારમાં ત્રણ લોકો મળી કુલ 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં પરેશભાઈ દિલીપભાઈ દઢૈયા, સુરેશ વિસાભાઈ સિહોરા, વિરમ ભીમાભાઈ દઢૈયા, પ્રેમજીભાઈ શંકરભાઈ દઢૈયા, ભરતભાઈ પ્રભુભાઈ દઢૈયાનો સમાવેશ થાય છે. જ્યારે દિલીપભાઈ ભગવાનજીભાઈ દઢૈયા અને પ્રકાશ ભરતભાઇ દઢૈયા હાલ સારવાર હેઠળ છે.મૃતકોનો પરિચય અને તેમની પારિવારિક કરુણતા● સુરેશ વિસાભાઈ સિંહોરા (ઉંમર 45): તેઓ ખેતી અને સસ્તા અનાજની દુકાન ચલાવતા હતા. તેમને સંતાનમાં 1 દીકરી અને 1 દીકરો છે. કરુણતા એ છે કે તેમના પત્ની નેહાબેન 2021માં તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પરથી સભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ જીત્યાના માત્ર 1 થી 1.5 મહિનામાં જ કોરોનામાં તેમનું મૃત્યુ થયું હતું.● પ્રેમજી શંકરભાઈ દઢૈયા (ઉંમર 46): તેઓ રણછોડગઢ ગ્રામ પંચાયતમાં 3 વખત ઉપસરપંચ રહી ચૂક્યા હતા. ખેતી સાથે જોડાયેલા પ્રેમજીભાઈને 2 દીકરા અને 5 દીકરીઓ છે. તાજેતરમાં જ તેઓ આમ આદમી પાર્ટીમાંથી તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પરંતુ તેઓ પણ ચૂંટણી જીત્યાના 1.5 મહિનામાં જ અકસ્માતનો ભોગ બન્યા.● ભરત પ્રભુભાઈ દઢૈયા (ઉંમર 35): ભરતભાઈ અપરિણીત અને દિવ્યાંગ હતા. તેઓ સસ્તા અનાજની દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને ગ્રામ પંચાયતની કચરાની ગાડી પણ ચલાવતા હતા. તેમના પિતા પ્રભુભાઈ અગાઉ 3 વખત ગામના સરપંચ રહી ચૂક્યા છે.● વિરમભાઈ ભીમાભાઈ દઢૈયા (ઉંમર 25): બોલેરો ગાડી ચલાવીને છૂટક મજૂરી કરતા વિરમભાઈના માત્ર 1.5 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેમને 8 મહિનાનો એક નાનો દીકરો છે. તેઓ 5 ભાઈઓ હતા, જેમાંથી અગાઉ 1 ભાઈનું અવસાન થયું હતું અને હવે વિરમભાઈનું મોત થતાં પરિવારમાં 3 ભાઈઓ રહ્યા છે.● પરેશ દિલીપભાઈ દઢૈયા (ઉંમર 23): પરેશભાઈના 1.5 થી 2 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને 1 વર્ષનો દીકરો છે. અત્યંત દુઃખદ બાબત એ છે કે થોડા સમય પહેલા જ પરેશના એક ભાઈનું અકાળે અવસાન થયુ હતું.અકસ્માતમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુઆ અકસ્માતમાં ગ્રામ પંચાયતના હાલના ઉપસરપંચ પ્રકાશભાઈ ભરતભાઇ દઢૈયા અને દિલીપભાઈ ભગવાનભાઈ દઢૈયા ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં પ્રકાશભાઈની મોરબી ખાતે અને દિલીપભાઈની રાજકોટ ખાતે સારવાર ચાલી રહી છે.#MorbiUpdate #HalvadAccident #Charadva #Ranchhodgarh #TragicAccident #MorbiNews #GujaratNews #AccidentNews