આપ નેતા કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી, 5 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવા આપીલમોરબી: શિક્ષણના ભોગે શિક્ષકોને સોંપવામાં આવતી વસ્તી ગણતરીની કામગીરીમાં ફેરવિચારણા કરવા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ મોરબી કલેકટરને પણ યોગ્ય ભલામણ માટે મોકલવામાં આવી છે.આપ નેતા કાંતિલાલ બાવરવાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, 8-6-2026 ના રોજથી વેકેશન પૂરું થતા શાળાઓ ખુલી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા 1-6-2026 થી વસ્તી ગણતરીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ કામગીરીમાં મોટાભાગના સ્ટાફ તરીકે સરકારી શાળાના શિક્ષકોને ઓન ડ્યુટી ફરજ સોંપવામાં આવી છે. અગાઉની કામગીરીઓમાં શિક્ષકોને માનસિક તણાવમાં મુક્યા બાદ હવે આ નવી કામગીરી સોંપવામાં આવી રહી છે. એક તરફ સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, ત્યારે ફરજીયાત કામગીરી આપીને ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.વધુમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે, આ કામગીરીમાં એક શિક્ષકને 200 ઘરની કામગીરી આપવાના બદલે 600 થી પણ વધારે ઘરની કામગીરી આપવામાં આવી રહી છે. આટલો બધો સમય માંગતી કામગીરીના કારણે શિક્ષણ કાર્ય પર મોટી અસર પડશે. જ્યારે પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોને આવી કોઈ કામગીરી ન હોવાથી સરકારી શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે. જેના કારણે વાલીઓને ન પોસાય તો પણ પોતાના સંતાનોને પ્રાઇવેટ શાળામાં મૂકવા મજબૂર થવું પડશે. સરકાર આડકતરી રીતે પ્રાઇવેટ શિક્ષણના વ્યાપારીકરણને પ્રોત્સાહન આપી રહી છે તેવો દાવો પણ પત્રમાં કરાયો છે.અંતમાં તેઓએ માંગ કરી છે કે આ વસ્તી ગણતરીની કામગીરીમાંથી સરકારી શાળાના શિક્ષકોને મુક્ત કરવામાં આવે. જો આગામી 5 દિવસમાં આ બાબતે યોગ્ય આદેશો કરવામાં નહીં આવે તો ના છૂટકે બાળકોના વાલીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.#MorbiUpdate #Morbi #MorbiNews #AAPGujarat #KantilalBavarva #Education #GujaratTeachers #CensusDuty #GujaratGovernment