બાઇક અકસ્માતના ઈજાગ્રસ્તને સારવારમાં લઈ જતી કિયા કારને પણ નડ્યો અકસ્માત : ત્રણેય મૃતકો રણછોડગઢ ગામના, ભારે શોકહળવદ : હળવદ તાલુકાના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે સર્જાયેલા એક ભયંકર માર્ગ અકસ્માતમાં રણછોડગઢ ગામના 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રણછોડગઢ ગામના દિલીપ ભગવાનભાઈ ડઢૈયાનો 24 વર્ષીય પુત્ર પરેશ હળવદથી પરત ફરતો હતો ત્યારે માનસર પાસે તેનું બાઇક સ્લિપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં તેના પિતા દિલીપભાઈ તેમજ ગામના અન્ય 5 આગેવાનો KIA કાર લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલ પરેશને કારમાં બેસાડીને તમામ 7 લોકો તેને વધુ સારવાર માટે મોરબી લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા બહાર નીકળતા કોઈ અજાણ્યા મોટા વાહન કે પાછળ તેમની કાર ધડાકાભેર ઘૂસી જતાં આ ગોઝારી ઘટના ઘટી હતી.આ અકસ્માતમાં સુરેશ વિસાભાઈ સિહોરા (ઉંમર 45 વર્ષ), વિરમ ભીમાભાઈ ડઢૈયા (ઉંમર 28 વર્ષ), પરેશ દિલીપભાઈ ડઢૈયા (ઉંમર 24 વર્ષ)નું મોત થયું છે. જ્યારે પ્રકાશ અમીરભાઈ ડઢૈયા (ઉપસરપંચ, રણછોડગઢ ગ્રામ પંચાયત), પ્રેમજી શંકરભાઈ ડઢૈયા (સદસ્ય, તાલુકા પંચાયત), દિલીપ ભગવાનભાઈ ડઢૈયા, ભરત પ્રભુભાઈ ડઢૈયાને ઇજાઓ પહોંચતા તેમને મોરબી ખસેડવામાં આવ્યા છે. #MorbiUpdate #MorbiNews #MorbiAccident #HalvadNews #Ranshodgadh #GujaratNews #AccidentNews #TragicAccident