કલેક્ટરના હુકમનો ભંગ કરી વીજ ટાવર નાખવામાં આવતા હોવાનો આક્ષેપ મોરબી : માળીયા તાલુકાના રાસંગપર ગામે વીજ કંપનીની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપની કલેક્ટરના આદેશોને પણ ઘોળીને પી ગઈ છે અને મનસ્વી રીતે કામગીરી કરી રહી છે. આ મામલે આગેવાન મહેશ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, વીજ કંપની દ્વારા કલેક્ટરના 67 મીટરના હુકમનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છે. વીજ કંપનીએ બળજબરીથી આખા ખેતરમાં તાણિયા નાખી દીધા છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ અન્યાયી કામગીરી અટકશે નહીં, તો 24 કલાકમાં ખેતરમાંથી તમામ તાણિયા ઉખાડી નાખવામાં આવશે. ખેડૂતોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે ખોટા હુકમના નામે તેમની જમીન કબજે કરવામાં આવી રહી છે અને અવાજ ઉઠાવવા પર BNS હેઠળ FIR નોંધવાની ધમકીઓ અપાઈ રહી છે.ખેડૂતોએ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, પોલીસ પોતાના અન્ય કામો પડતા મૂકીને માત્ર આ વીજ કંપનીના ટાવર ઉભા કરાવવા માટે જ ફરજ પર લગાડી દેવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો છે. મહેશ રાજકોટિયાએ ઉમેર્યું હતું કે, પોલીસની હાજરીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે, અને કલેક્ટરના હુકમની અવગણના કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.#Morbi #MorbiUpdate #Maliya #Rasangpar #FarmersProtest #GujaratNews #MorbiNews