હાલનું વળતર સાવ ઓછું, યોગ્ય વળતર આપ્યા બાદ જ ગામમાં કામ શરૂ કરવા દેવાશે : તમામ ખેડૂતોએ પરિવાર સાથે ખેતરમાં ઉમટી કંપનીના કર્મચારીઓ સામે રોષ વ્યકત કર્યોમોરબી : મંત્રી કાંતિલાલ અમૃતિયાના ગામ જેતપરમાં ખેડૂતો દ્વારા હેવી વીજ લાઇનના કામ સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કલેક્ટરના ઓર્ડર અને ડીએલવીસી દ્વારા નક્કી કરાયેલા ભાવો મુજબ કામ થવું જોઈએ, પરંતુ હાલની બજાર કિંમત અનુસાર ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી ખેતરમાં માર્કિંગ પણ નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારીને કામ સંપૂર્ણપણે અટકાવી દીધું છે.બજાર કિંમત સામે વળતર ખૂબ ઓછું: ખેડૂતોજેતપર ગામના ખેડૂત નેહુલ અમૃતિયાના જણાવ્યા અનુસાર, જેતપર ગામમાં જમીનની બજાર કિંમત વિઘા દીઠ 20 લાખ રૂપિયાથી શરૂ થઈને 40થી 45 લાખ રૂપિયા સુધીની છે. જો સમગ્ર ગામની સરેરાશ કિંમત ગણવામાં આવે તો પણ વિઘા દીઠ અંદાજે 30 લાખ રૂપિયા થાય છે. ખેતરમાં વીજ કંપનીનો થાંભલો આવવાથી જમીનની કિંમત અડધી થઈ જાય છે, જેના કારણે ખેડૂતોને વિઘે 15 લાખ રૂપિયાનું સીધું નુકસાન સહન કરવું પડે તેમ છે.ખેડૂતોની મુખ્ય માંગણીઓખેડૂતોની માંગ છે કે જેનું જેટલું મોટું ખેતર હોય તે મુજબ વળતર ચૂકવવામાં આવે. ઉદાહરણ તરીકે, જો 5 વિઘાના ખેતરમાંથી લાઈન પસાર થતી હોય અને વિઘે 15 લાખનું નુકસાન થતું હોય, તો ખેડૂતને 75 લાખ રૂપિયા વળતર મળવું જોઈએ. તેમજ જો 50 વિઘાનું ખેતર હોય તો તે મુજબ 7.5 કરોડ રૂપિયા નુકસાની પેટે ચૂકવીને જ કંપનીએ કામ આગળ વધારવું જોઈએ. ખેડૂતોએ જણાવ્યું કે ટેલિગ્રાફ એક્ટ 1885 સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન કરવું અને વધુમાં વધુ વળતર આપવું. હાલની માર્કેટ વેલ્યુ મુજબ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જે ભવિષ્યમાં લાઈન ઊભી રહેવાના 35 વર્ષ સુધી ખેડૂતોને ભોગવવું પડશે.230થી વધુ ખેડૂતો પ્રભાવિત, આખું ગામ સમર્થનમાંખેડૂત નેહુલ અમૃતિયાના જણાવ્યા અનુસાર આ વીજ લાઈનની કામગીરીથી જેતપર ગામમાં અંદાજે 20 જેટલા પોલ (થાંભલા) આવી રહ્યા છે. આ લાઈનના કારણે તાર વાળા ખેતરોની સંખ્યા 90થી 100 જેટલી થાય છે, જ્યારે અન્ય તાણીયા નાખવાના કારણે બીજા 80 જેટલા ખેતરો પ્રભાવિત થઈ રહ્યા છે. આમ, કુલ મળીને આશરે 220થી 230 ખેડૂતો આ કામગીરીથી સીધા અસરગ્રસ્ત બન્યા છે. ભવિષ્યમાં પણ ગામમાંથી અન્ય 15થી 17 જેટલી લાઈનો પસાર થવાની હોવાથી, ખેડૂતોના ભવિષ્યને ધ્યાને રાખીને અત્યારે આખું ગામ, મહિલાઓ અને પુરુષો સહિત, એક થઈને વિરોધમાં જોડાયા છે.વળતર નહીં તો કામ નહીં: ખેડૂતોનો મક્કમ નિર્ધારખેડૂત નેહુલ અમૃતિયાના જણાવ્યા અનુસાર કંપનીના કર્મચારીઓ અને પોલીસ કાફલો જ્યારે જેતપર ગામે કામગીરી માટે પહોંચ્યા, ત્યારે ગામના ખેડૂતો પરિવાર સાથે પોતાના ખેતરો આગળ આડા ઊભા રહી ગયા હતા અને ખેતરમાં પ્રવેશ કરવા દીધો ન હતો. ખેડૂતોએ મક્કમતાપૂર્વક જણાવ્યું છે કે, 'પહેલા અમને યોગ્ય વળતર આપો, ત્યાર પછી જ ખેતરમાં પગ મૂકવા દેવામાં આવશે.' હાલ પૂરતું ખેડૂતોના ભારે વિરોધને પગલે કંપનીની કામગીરી અટકાવી દેવામાં આવી છે અને વીજ કંપની તેમજ પોલીસ સ્ટાફ ખેતરોથી દૂર હટી ગયા છે. ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ છે કે જ્યાં સુધી યોગ્ય વળતર નક્કી નહીં થાય, ત્યાં સુધી ખેતરમાં લાઈન ક્યાં આવશે તેનું માર્કિંગ પણ કરવા દેવામાં આવશે નહીં.#MorbiUpdate #MorbiNews #Jetpar #FarmersProtest #CompensationIssue #ElectricityLineProtest #MorbiFarmers #LandValue