મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિઝીટ : લગત અધિકારીઓને જરૂરી સૂચનો અપાયા મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા આજે હળવદ તાલુકાની જુદી-જુદી સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે હળવદની મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને હળવદ નગરપાલિકા કચેરીની રૂબરૂ મુલાકાત લઈને ત્યાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન તેમણે કચેરીના જુદા-જુદા વિભાગોમાં જઈને તપાસ કરી હતી અને જરૂરી સુધારો કરવા માટે વહીવટી તંત્રને ઘણી બધી સૂચનાઓ આપી હતી.આ અંગે જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે આજે હળવદમાં મામલતદાર કચેરીની મુલાકાત દરમિયાન સબ રજિસ્ટ્રાર કચેરી, જનસેવા કેન્દ્ર અને આધાર કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. કચેરીઓમાં ચાલતી વિવિધ શાખાઓની કામગીરી બાબતે તેમણે વિગતવાર જાણકારી મેળવી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે ખાસ કરીને સિટિઝન લક્ષી સેવાઓ અંગે અધિકારીઓને મહત્વના સૂચનો આપ્યા હતા. સરકારી સેવાઓ મેળવવા માટે આવતા સામાન્ય લોકોને કચેરીઓમાં વધારે સમય સુધી રાહ ન જોવી પડે તેની ખાસ તકેદારી રાખવી. ફાઈલ વર્કમાં જે પેન્ડન્સી (બાકી કામગીરી) છે, તેનો પણ ત્વરિત નિકાલ કરવામાં આવે. જિલ્લા કક્ષાએથી જે પ્રકરણો મંગાવવામાં આવ્યા હોય, તે મોકલવામાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે બાબતે સૂચનાઓ આપવામાં આવી છે.વધુમાં હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા નર્મદા કેનાલમાં દૂષિત ગટરનું પાણી છોડવામાં આવ્યું હોય અને તે પાણી બ્રાહ્મણી 2 ડેમમાં જતું હોવાથી લોકોના આરોગ્ય ઉપર પણ અસર પડી શકે તેમ હોય, જીલ્લા કલેક્ટરે ત્યાંની સ્થળ વિઝીટ લીધી હતી અને ચીફ ઓફિસરને તાકીદે સફાઈ કરવાની સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરે હળવદના લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના અને હળવદ તાલુકાના વિકાસમાં અહીંના લોકોની મહેનત અને પ્રયત્નોનો મોટો ફાળો રહ્યો છે. લોકોની સમસ્યાઓનું નિરાકરણ જિલ્લા લેવલે પહોંચતા પહેલા તાલુકા લેવલે જ થઈ જાય તે માટે તાલુકાની કચેરીઓ સશક્ત થવી જરૂરી છે. વહીવટી તંત્ર દ્વારા એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે જેથી મેક્સિમમ પ્રશ્નોનો નિકાલ તાલુકા કચેરીઓમાંથી જ થઈ જાય.વીજ લાઇનના વળતરને લઈને બનતા ઘર્ષણના બનાવો અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, કોઈપણ વિકાસલક્ષી કાર્ય થતું હોય ત્યારે અમુક લોકોને તકલીફ પડતી હોય છે, પરંતુ આપણે દેશના વિકાસના મોટા ઉદ્દેશ્યને પણ વિચારવો જોઈએ. તમામ લાઈનો માટે ૧૬-૧ ના ટેલિગ્રાફ એક્ટ મુજબના ઓર્ડર્સ પાસ કરીને કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે અને ખેડૂતોને સાંભળવાની તક પણ અપાઈ છે. કમિટી દ્વારા નક્કી થયેલું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે માટે તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને બાકી વળતર ચૂકવવામાં વિલંબ ન થાય તે માટે એજન્સીઓને કલેક્ટર અને પ્રાંત અધિકારી કક્ષાએથી સૂચનાઓ અપાઈ છે. #Halvad #MorbiCollector #SurpriseVisit #MorbiUpdate #GujaratNews #AdministrativeCheck #CitizenServices #HalvadNews