મહાપાલિકા દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે STP પંચાસર ખાતે 500 વૃક્ષોના વાવેતર સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવવા માટે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે એક વિશેષ વૃક્ષારોપણ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ચોમાસું પૂરું થાય ત્યાં સુધીમાં એટલે કે 100 દિવસની અંદર સમગ્ર મોરબી શહેરમાં 5 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર અને તેનું સંરક્ષણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજે 5 જૂનના રોજ STP પંચાસર ખાતે 500 વૃક્ષો વાવીને આ ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.વડાપ્રધાનના 'એક પેડ મા કે નામ' અભિયાનથી પ્રેરિત સંકલ્પ : મેયરઆ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા 'એક પેડ મા કે નામ' અભિયાન સાથે જોડાઈને મોરબીવાસીઓએ પણ વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો છે. આવનારા દિવસોમાં મોરબીને વધુને વધુ હરિયાળું બનાવવામાં આવશે.ચોમાસુ પૂર્ણ થાય ત્યાં સુધીમાં 5 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક: ડેપ્યુટી કમિશનર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ આ ડ્રાઈવ અંગે વિગતો આપતા જણાવ્યું કે, મોરબીને ગ્રીન સિટી બનાવવા માટે નગરપાલિકા દ્વારા પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવી છે. 100 દિવસના ગાળામાં 5 લાખ વૃક્ષોનું વાવેતર કરી તેનું યોગ્ય જતન થાય તે માટે કોર્પોરેશન પ્રતિબદ્ધ છે. આજના આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર તેમજ કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહાપાલિકાનું વૃક્ષારોપણનું કામ તો સરાહનીય, પણ વૃક્ષોનું યોગ્ય જતન થશે ?વૃક્ષારોપણના કાર્યક્રમો તો વર્ષોથી યોજાઈ રહ્યા છે અઢળક વૃક્ષો પણ વાવવામાં આવી રહ્યા છે. પરંતું ખાટલે મોટી ખોટ એ છે કે વૃક્ષારોપણ કરી ફોટોસેશન યોજી વૃક્ષોને ભૂલી જવાઇ છે. હવે મહાપાલિકા પણ 5 લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે. ત્યારે વૃક્ષારોપણ પછી આ તમામ વૃક્ષોની યોગ્ય માવજત થાય તો જ આ વૃક્ષારોપણ અભિયાન સાર્થક ગણાશે.#Morbi #WorldEnvironmentDay #TreePlantation #GreenMorbi #EkPedMaaKeNaam #MorbiUpdate #EnvironmentDay2026