દર્દીઓ અને સ્ટાફ સાથે સીધો સંવાદ કર્યો : બંધ મશીનો અને લિફ્ટ સત્વરે ચાલુ કરવા સૂચનામોરબી : મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આજે મોરબી સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ હોસ્પિટલમાં આવતા જિલ્લાભરના દર્દીઓ સાથે સીધી વાતચીત કરી હતી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી.મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યા બાદ એક બાદ એક અલગ અલગ કચેરીની આકસ્મિક મુલાકાત લઈ રહ્યા છે. તાજેતરમાં મોરબી શહેરની મામલતદાર કચેરી, ટંકારાની જુદી-જુદી કચેરીની મુલાકાત લીધા બાદ આજે સવારે મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સવારના 9 થી 11 વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલના એક એક વોર્ડ અને વિભાગની ઝીણવટભરી તપાસ કરી રજેરજની માહિતી મેળવી હતી. આંખનો વિભાગ, ઈમરજન્સી વિભાગ, સીટીસ્કેન વિભાગ, ઓર્થોપેડિક વિભાગ વગેરે વિભાગની માહિતી મેળવી હતી અને નર્સિંગ સ્ટાફ સાથે પણ ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મર્યાદાઓ વચ્ચે પણ સ્ટાફ શ્રેષ્ઠ કામગીરી આપવાનો પ્રયાસ કરી રહ્યો છે, છતાં સિસ્ટમમાં હજુ સુધારાની જરૂરિયાત છે.આગામી RKS મીટીંગમાં પ્રશ્નોનો ઉકેલ લાવવા ખાતરીજિલ્લા કલેક્ટરે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોસ્પિટલની સેવાઓ વધુ બહેતર બનાવવા માટે આગામી RKS (રોગી કલ્યાણ સમિતિ)ની મીટીંગમાં આ તમામ પડકારો અને ઓળખી કાઢવામાં આવેલા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તંત્ર દ્વારા ધીમે ધીમે આરોગ્ય સેવાઓનું સ્તર ઊંચું લાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવશે.બંધ મશીનો અને લિફ્ટ સત્વરે ચાલુ કરવા સૂચનાહોસ્પિટલમાં લાંબા સમયથી બંધ પડેલા મશીનો અંગેના પ્રશ્નના જવાબમાં કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, સરકારમાંથી મળેલા કે અગાઉ ખરીદેલા જે મશીનો હાલ બંધ હાલતમાં છે તેને ઝડપથી રિપેર કરી ઓપરેશનલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, જે લિફ્ટ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં છે તેના માટે જરૂરી NOC મેળવીને સત્વરે તમામ લિફ્ટ દર્દીઓ માટે કાર્યરત કરવા પણ આદેશ કરાયા છે.ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા 'સિટીઝન ફ્રેન્ડલી' બનાવવા તાકીદહાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે પીવાના પાણીની જરૂરિયાત અંગે કલેક્ટરે ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શુદ્ધ પીવાનું પાણી એ દરેકનો મૂળભૂત અધિકાર છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટે વર્તમાન વોટર ફિલ્ટર અને પાણીની વ્યવસ્થાને વધુ 'સિટીઝન ફ્રેન્ડલી' બનાવવા માટેની સૂચનાઓ હોસ્પિટલ તંત્રને આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiCivilHospital #MorbiCollector #GujaratNews #HealthCare #MorbiNews