મોરબી : ગુજરાત વહીવટી સેવા (GAS) અધિકારી ડો. મેહુલકુમાર. એમ. બરાસરાની રાજ્ય સરકાર દ્વારા પાટણના નવા નિવાસી અધિક કલેક્ટર (RAC) તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડો. બરાસરા મોરબીના વતની છે તથા જીલ્લા ભાજપ અગ્રણી ચંદુભાઈ કણસાગરાના જમાઈ છે.ડો. એમ. એમ. બરાસરા દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) ની પરીક્ષા પાસ કરીને તેઓ દિલ્હી ખાતે કેન્દ્રીય સેવામાં કાર્યરત હતા. જો કે, પોતાના માદરે વતન ગુજરાતની જનતાની સેવા કરવાની પ્રબળ ઈચ્છા અને દ્રઢ સંકલ્પને કારણે, તેમણે GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) ની પરીક્ષા પણ પાસ કરી અને ગુજરાત વહીવટી સેવામાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. પાટણ ખાતે નિવાસી અધિક કલેક્ટર તરીકેનો મહત્વનો કાર્યભાર સંભાળતા પહેલા, ડો. બરાસરા અમરેલી જિલ્લાના રાજુલા ખાતે પ્રાંત અધિકારી (SDM) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. રાજુલા મુકામે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક જનહિતના કાર્યો અને વહીવટી સુધારાઓ કરીને સ્થાનિક લોકોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી.