કેનાલમાં સફાઈ તો કરી હતી, અત્યારે જે કચરો છે તે સ્થાનિકોએ નાખ્યો હોવાનો અધિકારીનો બચાવ : કોર્પોરેશન આ મામલે સિંચાઈ વિભાગની સ્પષ્ટતા માંગશે મોરબી : મોરબીમાં મચ્છુ 2 ડેમમાંથી સિંચાઈ માટે છોડવામાં આવેલું પાણી રવાપર રોડથી કેપિટલ માર્કેટ સુધીના રસ્તાઓ અને સોસાયટીઓમાં ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ ચોમાસુ શરૂ થયું નથી, ત્યાં જ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ ગંભીર બેદરકારી મામલે મોરબી અપડેટ દ્વારા જવાબદાર અધિકારીઓએ અને પદાધિકારીઓ સાથે વાતચીત કરતા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી કમિશનર, સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ડિપ્લોમેટિક જવાબો આપવામાં આવ્યા હતા.લોકોની હાલાકી દૂર કરવા અમે તત્પર છીએ : મેયરમેયર ઉત્તમ સોરાણીએ જણાવ્યું હતું કે, રવાપર રોડથી કેપિટલ માર્કેટ સુધી કેનાલના પાણી રોડ પર ફરી વળ્યા છે અને વરસાદી પાણી ભરાયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે જેનાથી લોકોને હાલાકી પડી રહી છે. લોકોને પડતી આ હાલાકી દૂર કરવા માટે અમે કાર્ય કરવા તત્પર છીએ. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના જે પણ અધિકારીઓ છે તેમની સાથે સંકલન કરીને આ સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવવામાં આવશે અને જરૂરી એવા તમામ એક્શન લેવામાં આવશે.સિંચાઈ વિભાગને લેવલ જાળવી રાખવા સૂચના અપાઈ : ડેપ્યુટી કમિશનર સંજય સોનીમહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, મચ્છુ ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા મોરબીના છેવાડાના ગામડાઓને પાણી આપવા માટે પાણી છોડવામાં આવ્યું હતું. 28 તારીખથી ઓછા ફોર્સથી પાણી છોડવાનું ચાલુ કરાયું હતું, પરંતુ છેલ્લા 5 ગામો સુધી પાણી પહોંચાડવા વધુ પ્રમાણમાં પાણી છોડાતા કોર્પોરેશન વિસ્તારના રવાપરથી કેપિટલ માર્કેટ વાળા રોડ પર પાણી ઘૂસી ગયા હતા. મહાપાલિકા દ્વારા સિંચાઈ વિભાગને કેનાલનું લેવલ જાળવીને પાણી છોડવા સૂચના આપવામાં આવી છે જેથી સિટીના કોઈ રોડ કે સોસાયટીમાં પાણી ન ઘૂસે. આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને સ્પષ્ટતા માંગતો લેટર પણ લખવામાં આવશે.પાણી છોડતા પહેલા સાફ-સફાઈ કરવામાં આવી હતી, હાલનો જે કચરો છે તે સ્થાનિકોએ જ નાખેલો છે : ડે. એક્ઝિક્યુટિવ એન્જી.મચ્છુ 2 સિંચાઈ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાર્થ ગડારાના જણાવ્યા અનુસાર, ખેડૂતોની ખરીફ પાકની માંગણીને ધ્યાનમાં રાખીને સિંચાઈ સલાહકારની મિટિંગ બાદ 28 તારીખે પાણી છોડવામાં આવ્યું હતું. પાછળના ગામડાઓમાં ડિમાન્ડ સર્જાતા પાણીનો પ્રવાહ વધારવામાં આવ્યો હતો, જેના કારણે કેપિટલ માર્કેટ પાસે પાણી ઓવરટોપ થઈને છલકાયું હતું. સવારે 6 વાગ્યે પાણીનું લેવલ 18 ઇંચથી ઘટાડીને 16 ઇંચ કરવામાં આવ્યું છે, જેથી હાલ સ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે. કેનાલની ક્ષમતા 280 ક્યુસેક છે, જ્યારે હાલ 150 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેનાથી 19 ગામોને ફાયદો થશે. આ પાણી વરસાદ આવે ત્યાં સુધી અથવા 15 જુલાઈ સુધી ચાલુ રાખવામાં આવશે. સફાઈ અંગે તેમણે સ્પષ્ટતા કરી કે નિયમિત સફાઈ રવિ સીઝનમાં થાય છે, છતાં પાણી છોડતા પહેલા 4 દિવસ મશીન દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી. હાલનો જે કચરો છે તે છેલ્લા 4 દિવસમાં સ્થાનિક લોકો દ્વારા નાખવામાં આવેલો છે, આ મામલે મહાનગરપાલિકા સાથે ચર્ચા કરીને આગળના પ્રયત્નો કરવામાં આવશે.રોડ નીચો છે અને કેનાલની દીવાલમાં કાણા પાડ્યા હોવાથી પાણી રસ્તા પર ફરી વળ્યું : મચ્છુ-2ના સેક્સન અધિકારીમચ્છુ-2 ડેમના સેક્શન-2 ના અધિકારી ડી.એમ. રત્નપરાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આગોતરા વાવેતર માટે પાણીની જરૂરિયાત હોવાથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળાની સિઝન હોવાથી પાણીનો વપરાશ વધુ છે. સેક્શન-2 હેઠળ આવતા ટીંબડી, ખેવાળિયા, માનસર, નારણકા, પીપળિયા અને મહેન્દ્રગઢ જેવા ગામોમાં પાણી પહોંચાડવા માટે કેનાલમાં પાણીનું પ્રમાણ વધારવામાં આવ્યું હતું. SP રોડથી લઈને રવાપર ચોકડી સુધીનો રોડ કેનાલના સ્તર કરતા નીચો છે. અગાઉ સ્થાનિકોએ પાણીના નિકાલ માટે કેનાલની દીવાલમાં અમુક જગ્યાએ કાણાં પાડી દીધા હતા. સિંચાઈની માંગને પહોંચી વળવા જ્યારે કેનાલમાં પાણીનો પ્રવાહ વધારવામાં આવ્યો, ત્યારે આ કાણાંમાંથી પાણી બહાર આવીને સીધું રોડ પર ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ હાલમાં કેનાલમાંથી પાણીનો પ્રવાહ ધીમો કરી દેવામાં આવ્યો છે, જેથી ધીમે ધીમે પાણી ઓસરી જશે.#Morbi #MorbiUpdate #CanalWater #MorbiNews #WaterLogging #MorbiCorporation #MachhuDam #IrrigationDepartment #SanjaySoni #ParthGadara