વળતરના મુદ્દે ખેડૂત માનસિક તણાવમાં, 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા : 15 જૂને ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરવાની મહેશ રાજકોટિયાની ચીમકીમોરબી: વીજ લાઈનઅને ટાવરના વળતર મામલે હળવદના સાપકડા ગામના ખેડૂતો પ્રાંત અધિકારીની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પાવરગ્રીડ કંપની અને તંત્રની કાર્યવાહીથી ત્રસ્ત એક ખેડૂત કચેરીમાં જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ખેડૂત આગેવાન મહેશ રાજકોટિયાએ આ મામલે કંપની અને તંત્રને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે. બીજી તરફ આ મામલે પ્રાંત અધિકારી પાસેથી વિગતો લેવા તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રાંત અધિકારી દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્યો ન હતો. 8 વીઘા જમીનમાં દાડમના બગીચા વચ્ચે ઊભો કરાયો ટાવરમળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા 48 વર્ષીય મોહનભાઈ મનજીભાઈ દલવાડીની સાપકડા ગામમાં 8 વીઘા જમીન આવેલી છે. આ જમીનમાં 3.5 વર્ષનો દાડમનો બગીચો છે. પાવરગ્રીડ કંપની દ્વારા આ બગીચાની વચ્ચે જ વીજ ટાવર ઊભો કરી દેવામાં આવ્યો છે, જેનું કામ 7 મહિના પહેલા પૂર્ણ થઈ ગયું હતું.32,79,233 રૂપિયાના વળતર સામે માત્ર 5.5 લાખ ચૂકવાયાખેડૂત મોહનભાઈ દલવાડીના જણાવ્યા અનુસાર આ જમીન અને પાકના નુકસાન પેટે 32,79,233 રૂપિયાનું વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, અત્યાર સુધીમાં તેમને માત્ર 5.5 લાખ રૂપિયા જ આપવામાં આવ્યા છે. બાકીની રકમ મેળવવા માટે આ ખેડૂત છેલ્લા 6 મહિનાથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. અગાઉ 8 થી 9 દિવસ પહેલા પણ પ્રાંત અધિકારી દ્વારા વળતર અપાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા.કચેરીમાં જ ખેડૂત બેભાન થયાવારંવારની રજૂઆતો છતાં કોઈ પરિણામ ન મળતા ખેડૂતો પ્રાંત કચેરીએ એકઠા થયા હતા. આ સમયે મોહન દલવાડી ભારે માનસિક તાણ હેઠળ આવી ગયા હતા. તેઓ અધિકારીના પગે પડવા જતા હતા અને બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ તેમને વધુ સારવાર માટે મગજના ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપી છે.15 જૂને ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરવાની ચેતવણીઆ ઘટના બાદ ખેડૂત આગેવાન મહેશ રાજકોટિયાએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, જો પોલીસના જોરે જમીન કબજે કરવાનો પ્રયાસ થશે તો ખેડૂતો સહન નહીં કરશે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખેડૂતોની સંમતિ વિના ખેતરમાં એક ઈંચ પણ જગ્યામાં થાંભલા ખોડવા દેવામાં આવશે નહીં. જો પરાણે દાદાગીરીથી કામ થશે તો 15 જૂને હજારો ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરશે અને ગેરકાયદેસર ઊભા કરાયેલા થાંભલાઓ શાંતિપૂર્ણ રીતે ઉખાડી દેવામાં આવશે.#MorbiUpdate #MorbiNews #FarmersProtest #MaheshRajkotia #PowerGridIssue #GujaratFarmers #Sapakda #JusticeForFarmers