640 પૈકી 45 શિક્ષકોને ફાળવાયેલા વિસ્તારથી અસંતોષ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને સ્થાનિક વિસ્તાર જ ફાળવવા ડેપ્યુટી કમિશનર સમક્ષ રજૂઆતમોરબી : રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. પરંતુ મોરબી શહેરમાં આજથી વસ્તી ગણતરી શરૂ થઈ શકી નથી. પોતાનો વિસ્તાર ન સોંપાતા અમુક શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે શિક્ષકોએ મહાપાલિકામાં રજુઆત પણ કરી છે. આજે સાંજ સુધીમાં આ અંગેનો ઓર્ડર આવ્યા બાદ આવતીકાલથી શિક્ષકો વસ્તી ગણતરીના કામે લાગશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ કિરણભાઈ કાચરોલાએ જણાવ્યું હતું કે શિક્ષકોને તેમના સ્થાનિક વિસ્તારને બદલે અન્ય વિસ્તારોમાં કામગીરી સોંપવામાં આવી છે. ઉદાહરણ તરીકે, મોરબી 1 માં નોકરી કરતા શિક્ષકને મોરબી 2 નો ઓર્ડર આપવામાં આવ્યો છે. શિક્ષકોની માંગ છે કે વર્તમાન ઓર્ડર રદ કરી તેમને તેમની સ્થાનિક જગ્યાએ જ કામગીરી સોંપવામાં આવે. આ બાબતે 45 જેટલા શિક્ષકોએ સહી કરીને રજૂઆત કરી છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું છે કે આ પ્રક્રિયામાં કોઈ લાગવગશાહી નથી અને મહાનગરપાલિકા દ્વારા તટસ્થ રીતે કામગીરી થઈ છે. મોરબી નગરપાલિકામાં કુલ 640 જેટલા શિક્ષકોને આ કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્તારની ફાળવણીને લઈને શિક્ષકોમાં અંદરોઅંદર પણ મતભેદ જોવા મળ્યો છે. જેને કારણે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. બીજી તરફ, આ મુદ્દે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મોરબી વિસ્તારમાં કુલ 546 ગણતરીદાર બ્લોક અને 110 સુપરવાઈઝર બ્લોક બનાવવામાં આવ્યા છે. શિક્ષકો અને સંગઠનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આશરે 80% ફાળવણી શિક્ષકોના રહેણાંક અથવા શાળાના વિસ્તારની આસપાસ જ કરવામાં આવી છે. તેમ છતાં અમુક શિક્ષકોને પોતાનો જ વિસ્તાર ન મળવાની ફરિયાદ છે. ડેપ્યુટી કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એ રાષ્ટ્રીય કાર્ય છે. સેન્સસ એક્ટ 1948 ની જોગવાઈઓ અનુસાર ગણતરીદારને પોતાનો જ વિસ્તાર ફાળવવો તેવી કોઈ જોગવાઈ નથી. જો કોઈ વ્યાજબી રજૂઆત હશે તો તેને ચોક્કસ ધ્યાને લેવામાં આવશે. #Morbi #MorbiUpdate #MorbiNews #Census #TeachersIssue #GujaratNews #MorbiCity