માળિયા (મી.) તાલુકાને એક પણ શાળા ન ફાળવાતા ભેદભાવ થયાના આક્ષેપ સાથે નગરપાલિકા સદસ્યની જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆતમોરબી : મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026 માટે જિલ્લામાં નવી 32 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. આ યાદીમાં મોરબી તાલુકામાં 14, વાંકાનેરમાં 12, હળવદમાં 4 અને ટંકારામાં 2 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ માળિયા મિયાણા તાલુકા માટે એક પણ નવી શાળાની દરખાસ્ત ન થતાં સ્થાનિક જનતા અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલે માળિયા મિયાણા નગરપાલિકાના સદસ્ય ઇકબાલ સુભાન સંધવાણી દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, માળિયા મિયાણા તાલુકા મથકે અંદાજીત 30000 ની વસ્તી વચ્ચે માત્ર 1 જ માધ્યમિક શાળા આવેલી છે. શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત ગણાતા આ તાલુકાને શૈક્ષણિક માળખાની સૌથી વધુ જરૂર હોવા છતાં તેને બાકાત રાખીને મોટો પ્રાદેશિક ભેદભાવ કરવામાં આવ્યો છે.વધુમાં જણાવાયું છે કે, આટલી મોટી વસ્તી હોવા છતાં અહીં સ્થાનિક સ્તરે બોર્ડની પરીક્ષા માટેનું કોઈ કેન્દ્ર નથી. જેના કારણે દર વર્ષે દીકરીઓ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને હાલાકી વેઠીને અને આર્થિક બોજ સહન કરીને દૂરના કેન્દ્રો પર પરીક્ષા આપવા જવું પડે છે. પછાત વિસ્તારના બાળકોને ઉચ્ચ શિક્ષણથી વંચિત રાખવાનો આ આયોજનપૂર્વકનો પ્રયાસ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.ઇકબાલ સુભાન સંધવાણીએ માંગ કરી છે કે માળિયા મિયાણા શહેર માટે તાત્કાલિક ધોરણે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મંજૂર કરવા તથા બોર્ડ પરીક્ષા કેન્દ્ર ફાળવવા માટેની પૂરક દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવે. જો આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં સામાજિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખીને શિક્ષણ વિભાગ અને સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MaliyaMiyana #Education #GujaratEducation #MorbiNews #StudentRights #GujaratGovt