બી ડિવિઝન પોલીસની ટીમે મણિનગર રેલ્વે સ્ટેશન પાસેથી બાળકીને સહીસલામત શોધી કાઢી પરિવારને સોંપીમોરબી : મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની 10 વર્ષની બાળકી લાપતા બની હતી. બી ડિવિઝન પોલીસે આ બાળકીને અમદાવાદથી હેમખેમ શોધી કાઢી તેના પરિવારને પરત સોંપી છે. જેથી પરિવારે પોલીસનો આભાર પણ માન્યો હતો.મળતી માહિતી મુજબ, મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળ વિન્ટેજ કારખાના પાસે ભાડાના મકાનમાં રહેતા અને મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કચ્ચરીપુર ગામના વતની કિરણદેવી સુનિલકુમાર રામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની 10 વર્ષની દીકરી ગત તા. 22/05/2026 ના રોજ સવારના કલાક 11:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. આ અંગે પોલીસે બી.એન.એસ. કલમ 137 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બાળકીને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સર્વેલન્સ ટીમે ટેકનિકલ માધ્યમો અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી, જેમાં મોરબીથી લઈને ભોપાલ સુધીના અલગ-અલગ રેલ્વે સ્ટેશન તેમજ શહેરી વિસ્તારના આશરે 80 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગુમ થયેલી બાળકી અમદાવાદ શહેરના મણિનગર રેલ્વે સ્ટેશન પાસે છે. બાતમીના આધારે તાત્કાલિક એક ટીમ અમદાવાદ રવાના કરવામાં આવી હતી અને બાળકીને સહીસલામત હાલતમાં મોરબી પરત લાવી તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી. આમ, પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં બાળકીને શોધીને તેના પરિવારના આંસુ લૂછ્યા છે. આ સફળ કામગીરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા તથા તેમની સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી.#MorbiUpdate #MorbiNews #MorbiPolice #MissingGirlFound #ChildRescue #Ahmedabad #Maninagar #GujaratPolice #CrimeNews #MorbiCityBDivision