ગેસના ભાવમાં 80 ટકા, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં 25 ટકા અને કોલસામા 35 ટકા સહિત તમામ રો મટીરીયલમાં ભાવ વધારો : તમામ પ્રકારની માટી, ઇન્ક, ગ્લેઝ, પેકેજીંગ અને પોલીસિંગ મટિરિયલમાં પણ સરેરાશ 10થી 20 ટકા ભાવ વધારોમોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ પર ઈરાન યુદ્ધની માઠી અસર પડી છે. ઈરાન પર ઇઝરાઈલ અને અમેરિકાએ કરેલા હુમલાને પગલે એલએનજી અને પ્રોપેનની સપ્લાય બંધ થતાં બે મહિનામાં જ સિરામિક ઇન્ડસ્ટ્રીઝને ગેસના ભાવમાં બમણાં જેટલો ભાવ વધારો સહન કરી ઉદ્યોગ ટકાવવા મજબુર બન્યા છે.યુદ્ધ પૂર્વે માર્ચ મહિનામાં 47 રૂપિયા ભાવે મળતા ગેસના ભાવ હાલમાં 84 રૂપિયા થયા છે. એ જ રીતે અન્ય રો મટીરીયલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા તમામ ફેકટર મળી સિરામિક ઉદ્યોગ પર 80 ટકા સુધી ભાવ વધારાનો બોજ આવી પડ્યો છે.ઈરાન પર અમેરિકા અને ઇઝરાઇલે કરેલા હુમલા બાદ યુદ્ધની સ્થિતિમાં મોરબીના સિરામિક ઉદ્યોગ પર તીવ્ર માઠી અસર પડી છે.યુદ્ધની સ્થિતિમાં હોર્મૂઝની ખાડીમાથી પસાર થતા ઓઇલ - ગેસ ટેન્કરોની આવન જાવન ખોરવાઈ જતા સિરામિક ઉદ્યોગને પ્રોપેન અને એલપીજી ગેસની સપ્લાય સંપૂર્ણ બંધ થઈ છે.સાથે જ હાલ 700થી વધુ સિરામિક એકમો માત્ર ગુજરાત ગેસના પાઇપલાઇન નેચરલ ગેસ પર જ ચાલી રહ્યો છે.મહત્વનું છે કે, ઈરાન યુદ્ધની સ્થિતિ પૂર્વે રૂ.47ના ભાવે મળતા ગેસના ભાવ હાલમાં રૂ.84એ પહોંચતા સિરામિક ઉદ્યોગને ગેસના ભાવમાં 80 ટકાનો વધારો સહન કરવો પડ્યો છે. ગેસની તીવ્ર અછત વચ્ચે સિરામિક એકમોને એકથી દોઢ મહિનો શટડાઉન લેવુ પડ્યું હોય બિઝનેસમાં મોટો આર્થિક ફટકો સહન કરવો પડ્યો છે.ગેસના ભાવ વધારા બાદ સિરામિક ઉદ્યોગને પેટ્રોલ - ડીઝલના ભાવમાં થયેલા ભાવવધારાએ પણ પડયા પર પાટુ ઉક્તિ મુજબ ટ્રાન્સપોર્ટેશનમાં 25 ટકા ભાવ વધારાનો ડામ સહન કરવાનો વારો આવ્યો છે. માર્ચ મહિનામાં ટ્રાન્સપોર્ટ ભાડા પ્રતિટન 1000 આસપાસ હતા તે વધીને હાલમાં 1250 સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત તમામ પ્રકારની માટી, ઇન્ક, ગ્લેઝ, પોલીસિંગ મટીરીયલ, પેકેજીંગ ઉપરાંત કોલસાના ભાવમાં પણ સરેરાશ 10 ટકાથી 35 ટકા જેટલો ભાવ વધારો સહન કરવો પડ્યો હોય સિરામિક ઉદ્યોગને એકંદરે બે મહિનામાં અલગ અલગ મટીરીયલ પર અસહ્ય ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે.જેની સામે સિરામિક ઉદ્યોગકારોએ ઇન્ડસ્ટ્રીઝને ટકાવી રાખવા વોલ, ફ્લોર અને જીવીટી સહિતની તમામ પ્રોડક્ટમાં 15થી 20 ટકા મે માસમાં વધારો કર્યા બાદ ફરી જૂન માસમાં પણ ફરી 15 ટકા જેવો ભાવ વધારો કરવા કઠોર નિર્ણય લેવો પડ્યો છે.