વિવિધ વિભાગોનું સરપ્રાઈઝ ચેકિંગ : કામગીરીમાં બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવાની ગર્ભિત ચેતવણીમોરબી: મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ઉત્તમભાઈ સુરાણીએ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ અને આરોગ્ય ક્ષેત્રે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવા આશય સાથે આજે એકાએક ‘એક્ટિવ મોડ’ ધારણ કરીને ઓચિંતી મુલાકાતોનો દોર શરૂ કર્યો હતો. તેઓએ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા તેમજ દંડક જયેશભાઈ દેસાઈને સાથે રાખીને મોરબી મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ તેમજ મોરબી સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. પદાધિકારીઓના આ કાફલાને અચાનક આવેલો જોઈને તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.અધિકારીઓને સુધરી જવા અને એક્ટિવ રહેવા સ્પષ્ટ તાકીદમુલાકાત દરમિયાન મેયર ઉત્તમભાઈ સુરાણીએ કચેરીના વિવિધ વિભાગોની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હાજર અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મોરબીના નાગરિકો પોતાની રજૂઆતો કે કામકાજ માટે જ્યારે મહાનગરપાલિકામાં આવે, ત્યારે તેમને ધક્કા ન ખાવા પડે અને તેમની સેવાઓનું સમયસર નિવારણ થાય તે જોવાની જવાબદારી તંત્રની છે. તમામ અધિકારીઓએ કચેરી સમય દરમિયાન સદંતર એક્ટિવ રહીને પ્રજાના કામોને પ્રાથમિકતા આપવી પડશે.સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા અંગે ખાસ તકેદારી રાખવા આદેશત્યારબાદ મેયર અને તેમની ટીમે મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ત્યાંની આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા અને દવાઓની ઉપલબ્ધતા અંગે વહીવટી સ્ટાફ સાથે સીધી ચર્ચા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કોઈ હાલાકી ન ભોગવવી પડે અને તેમને તમામ જરૂરી તબીબી સુવિધાઓ સુલભતાથી મળી રહે તે માટે ખાસ તકેદારી રાખવા હોસ્પિટલ તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગ અંગે મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, 'મોરબીના નાગરિકોનું હિત અને તેમની સુખાકારી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વહીવટી તંત્ર કે આરોગ્ય સેવાઓમાં કોઈ પણ સ્તરે આળસ કે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. જનતાને હાલાકી ન પડે તે માટે આવા સરપ્રાઈઝ ચેકિંગ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.'#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMayor #MorbiMunicipalCorporation #CivilHospitalMorbi #SurpriseChecking #GujaratNews