ગેસ વેટમાં રાહત, પાવર કટ, અને જર્જરિત રસ્તાઓ અંગે સમીક્ષા: કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉદ્યોગકારોને મોટા પાયે વૃક્ષારોપણ કરવા અપીલમોરબી : સિરામિક હબ મોરબીના સાતત્યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને પર્યાવરણીય બાબતોના સુદ્રઢ સમન્વય માટે વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.ઉદ્યોગકારોને વીજળી-પાણી આપવા એક્શન પ્લાન ઘડવાની સૂચનાઅધ્યક્ષસ્થાનેથી રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ સ્પષ્ટ અભિગમ રજૂ કરતા જણાવ્યું હતું કે, કોઈપણ અરજદારની રજૂઆત કે ફાઇલનો માત્ર કાગળ પર 'નિકાલ' કરવાને બદલે તેનો વાસ્તવિક 'ઉકેલ' આવવો જોઈએ. તેમણે ઉદ્યોગોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો (Sustainable Power Supply) મળી રહે તે માટે PGVCL દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવા અને કારખાનાઓ તેમજ કામદારોને પીવાનું પાણી પૂરું પાડવા ચોક્કસ એક્શન પ્લાન ઘડવા અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી.ઉદ્યોગકારોને વૃક્ષારોપણ કરવા હાંકલવૈશ્વિક બજારમાં મોરબીનો દબદબો જાળવી રાખવા માટે સહિયારા પ્રયાસોની હિમાયત કરતા મંત્રીએ ઉમેર્યું કે, આજના સમયમાં ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસ અનિવાર્ય છે. આપણા ઉદ્યોગોના કારણે થતા કાર્બન ઉત્સર્જનને સંતુલિત કરવા માટે ઉદ્યોગકારોએ તેટલા જ પ્રમાણમાં વ્યાપક વૃક્ષારોપણ કરવું જોઈએ. સિરામિક ઉદ્યોગ રો-મટીરિયલ અને ટેકનોલોજી માટે અન્ય દેશો પર નિર્ભર રહેવાને બદલે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી 'આત્મનિર્ભર' બને તે દિશામાં સંશોધનો હાથ ધરે તે જરૂરી છે.ઇન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આયોજનઉદ્યોગોની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબીના ઉદ્યોગકારોની સુવિધા માટે ઇન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન કાર્યરત કરવાના સઘન પ્રયાસો વહીવટી સ્તરે ચાલી રહ્યા છે. તેમણે હળવદ અને માળિયા પંથકમાં મીઠા (Salt) ઉદ્યોગની સુવિધા માટે ક્લસ્ટર મુજબ વિગતવાર દરખાસ્ત તૈયાર કરી રસ્તાઓનું મજબૂત નિર્માણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. પર્યાવરણીય સમતુલા માટે સિરામિક ઝોનમાં આવેલા તમામ આંતરિક રસ્તાઓની બંને બાજુએ આગામી ચોમાસા પૂર્વે જ ઉદ્યોગકારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.સિરામિક એસોસિએશનની મુખ્ય રજૂઆતોબેઠક દરમિયાન સિરામિક એસોસિએશન દ્વારા અનેક પડતર પ્રશ્નો અંગે મંત્રીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેમાં ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા અને કામદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા, ગેસની કિંમતો પરના વેટ (VAT) માં રાહત, પાવર કટના કારણે પ્રોડક્શનમાં થતા વિક્ષેપને રોકવા PGVCL નું અલગ ઇન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન મંજૂર કરવું, વૈશ્વિક નિકાસ (Export) ને નડતા પ્રશ્નોનું નિવારણ, સિરામિક ઝોનના રસ્તાઓ વહેલી તકે પૂર્ણ કરવા અને મોરબી-હળવદ તથા મોરબી-જેતપર અણીયારી રોડના બિસ્માર માળખાની મરામત કરવી, હળવદ અને માળિયા અગર વિસ્તારના અગરિયાઓ માટે પીવાના પાણીની સુવિધા સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે.બેઠકમાં ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓઆ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ચેરમેન આર.બી. બારડ, મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) યુવરાજસિંહ ઝાલા, મોરબી નાયબ વન સંરક્ષક તુષાર પટેલ તેમજ સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.#MorbiUpdate #MorbiNews #MorbiCeramic #CeramicIndustry #PravinbhaiMali #KantibhaiAmrutiya #GujaratGovernment #MorbiDevelopment #SustainableDevelopment #GreenMorbi