મોડી રાત્રે 40 થી 50 જેટલા ગ્રામજનો હળવદ પોલીસ મથકે પહોંચ્યા, FIR નોંધાવવા સાથે 'દારૂડિયાઓને બંધ કરો'ના નારા લગાવ્યામોરબી : હળવદ તાલુકામાં આવેલા મિયાણી ગામમાંથી એક ચોંકાવનારો અને ધાર્મિક લાગણી દુભાવતો કિસ્સો સામે આવ્યો છે. મિયાણી ગામના સ્મશાનમાં અસામાજિક તત્વો અને દારૂડિયાઓ દ્વારા 5 થી 6 જેટલી દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રિના સમયે દારૂના નશામાં ધૂત શખ્સોએ સ્મશાનમાં આવેલી મૂર્તિઓને ખંડિત કરી હતી. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા જ તેઓ વિફર્યા હતા. રોષે ભરાયેલા મિયાણી ગામના 40 થી 50 જેટલા લોકો મોડી રાત્રે જ હળવદ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. પોલીસ સ્ટેશન પહોંચેલા ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે પોલીસ મથક પરિસરમાં એકઠા થઈને 'બંધ કરો ભાઈ બંધ કરો, દારૂડિયાને બંધ કરો'ના નારા લગાવ્યા હતા. ગ્રામજનોએ હળવદ પોલીસ મથકે પહોંચીને આ અસામાજિક તત્વો વિરુદ્ધ FIR નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી અને ગામમાં દારૂના દુષણને તાત્કાલિક ડામવા તેમજ મૂર્તિઓ ખંડિત કરનાર આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.#MorbiUpdate #Halvad #Miyani #CrimeNews #GujaratPolice #MorbiNews #BreakingNews #HalvadPolice