નવનિર્માણ સ્કૂલથી માધાપર ચબૂતરા સુધીના નવા રોડ માટે પાલિકાનું ડીમોલેશન : અન્ય જગ્યાએ દબાણો યથાવત હોય, ભેદભાવ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપહળવદ : હળવદ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલા ખારીવાડી વિસ્તારમાં હાલ નવા RCC રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન રોડની વચ્ચે આવતા અને નડતરરૂપ દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા આજે જેસીબીની મદદથી ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.રોડની કામગીરીમાં નડતરરૂપ થતા અંદાજે સાતેક મકાન ધારકોને અગાઉ પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ આજે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા માત્ર અમુક જ લોકોના દબાણો હટાવી રહી છે અને અન્ય લોકોના દબાણો હટાવતી નથી. માત્ર ગરીબ લોકોને જ હેરાન કરવામાં આવી રહ્યા હોવાની રજૂઆત સ્થાનિકોએ કરી હતી.આ સમગ્ર મામલે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલરિયાએ જણાવ્યું હતું કે, નવનિર્માણ સ્કૂલથી માધાપર ચબૂતરા સુધી નવો રોડ બની રહ્યો છે. આ સંપૂર્ણ રોડ 9 મીટરની પહોળાઈનો મંજૂર થયેલો છે. હાલ જ્યાં રોડનું કામ બાકી છે ત્યાં પૂરી 9 મીટરની જગ્યા મળતી ન હોવાથી 5 થી 7 મકાનોના નડતરરૂપ દબાણો દૂર કરવા જરૂરી હતા, જેથી આ કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે સ્થાનિકોના ભેદભાવના આક્ષેપો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, નવનિર્માણ સ્કૂલથી જ્યાં સુધી રોડ બની ગયો છે ત્યાં પૂરેપૂરી 9 મીટરની જગ્યા મળેલી છે, જેથી ત્યાં કોઈ દબાણ દૂર કરવાનો પ્રશ્ન ન હતો. હાલ જ્યાં 9 મીટરના રોડમાં જે પણ દબાણ નડતરરૂપ થાય છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. વધુમાં તુષાર ઝાલરિયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ બંને બાજુ 2 મીટરના પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે, ત્યારે તે મુખ્ય માર્ગો પરના નડતરરૂપ દબાણો પણ દૂર કરવામાં આવશે.#MorbiUpdate #Halvad #HalvadMunicipality #EncroachmentDrive #RoadConstruction #GujaratNews #LocalNews