હોદ્દાઓની ફાળવણીમાં અવગણના થતા સતવારા સમાજના 8 કોર્પોરેટરો દ્વારા હવે પછીની સમિતિઓમાં પદ સ્વીકારવાનો કરાયો ઇન્કાર : જિલ્લા ભાજપ પ્રમુખને મળીને રૂબરૂ રજૂઆતો કરાઈ : ભાજપમાં બે જૂથ વચ્ચે હવે ત્રીજા જૂથનો જન્મ થયા જેવો ઘાટ મોરબી : મોરબી મહાનગરપાલિકાની 2026 ની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે હોદ્દાઓની વહેંચણી મુદ્દે ભડકો થયો છે. આમ તો સતવારા સમાજના કોર્પોરેટર છેક સુધી મેયર બનશે તેવું અનુમાન હતું. પણ બે જૂથો વચ્ચેની ખેંચતાણને પરિણામે પરિસ્થિતિ બગડે નહિ તે માટે હાઇકમાન્ડે ઓછી વસ્તી ધરાવતા સમાજના કોર્પોરેટરને મેયર પદ સોંપ્યુ છે. જો કે બીજી તરફ અન્ય મુખ્ય કોઈ હોદામાં પણ સતવારા સમાજના કોર્પોરેટરની બાદબાકી કરવામાં આવતા ભારે નારાજગી પ્રવર્તી છે.તાજેતરમાં 26/05/2026 ના રોજ ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ નિમણૂકોમાં મોટું પ્રભુત્વ ધરાવતા સતવારા સમાજને એક પણ જગ્યાએ સ્થાન ન અપાતા સમાજના આગેવાનો અને કાર્યકરોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. આ અન્યાયના વિરોધમાં આજે સતવારા સમાજના તમામ 8 ચૂંટાયેલા કોર્પોરેટરોએ એકજૂથ થઈને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાને કમલમ ખાતે લેખિતમાં આકરા શબ્દોમાં રજૂઆત કરી છે.આ કોર્પોરેટરોએ પત્રના માધ્યમથી સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી પક્ષ દ્વારા તેમના સમાજને યોગ્ય ન્યાય અને પ્રતિનિધિત્વ આપવામાં નહીં આવે, ત્યાં સુધી આ 8 કોર્પોરેટરો પૈકી કોઈ પણ મહાનગરપાલિકાની કોઈપણ સમિતિમાં સભ્ય કે ચેરમેનનો હોદ્દો સ્વીકારશે નહીં. લેખિત રજૂઆતમાં આંકડાકીય વિગતો ટાંકીને યાદ અપાવવામાં આવ્યું છે કે, મોરબી શહેરમાં સતવારા સમાજની 100000 થી વધારે વસ્તી છે. વર્ષોથી આ સમાજ ભાજપને વફાદાર રહ્યો છે અને ચૂંટણીઓમાં 70% થી 85% જેટલું એકતરફી મતદાન પક્ષની તરફેણમાં કરતો આવ્યો છે. તેમ છતાં, જ્યારે પ્રથમ 2.5 વર્ષ માટે મેયરની સીટ OBC માટે અનામત છે અને સમાજ પાસે સક્ષમ દાવેદારો ઉપલબ્ધ છે, ત્યારે જાણી જોઈને તેમની સદંતર અવગણના કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ એવી આકરી ચીમકી પણ આપી છે કે જો કોઈ કોર્પોરેટર પક્ષનો હોદ્દો સ્વીકારશે, તો તેને સમાજના ગદ્દાર અને વિરોધી જાહેર કરવામાં આવશે. એટલું જ નહીં, હોદ્દો સ્વીકારનારને આગામી 2027 ની વિધાનસભા ચૂંટણીમાં સમાજના કોઈપણ વિસ્તારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.પક્ષ અને સંગઠન સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવનાર અને આ લેખિત રજૂઆત કરનાર 8 કોર્પોરેટરોમાં વોર્ડ નં 1 માંથી વીણાબેન માવજીભાઈ કંઝારીયા, વોર્ડ નં 7 માંથી જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, વોર્ડ નં 10 માંથી ગણેશભાઈ નાનજીભાઈ ડાભી, ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા અને અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, વોર્ડ નં 11 માંથી ભારતીબેન ચુનીલાલ પરમાર તેમજ વોર્ડ નં 13 માંથી જશવંતીબેન પ્રવીણભાઈ સોનગ્રા અને રાજુભાઈ કાનજીભાઈ ડાભીનો સમાવેશ થાય છે.સમાજની નારાજગી અંગે 8 કોર્પોરેટરો દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે સતવારા સમાજની રજૂઆત તેમને મળી છે. હજુ આગળ ઘણું બધું બાકી છે અને આગામી નિમણૂકોમાં તેમને તક મળી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ રજૂઆતને તેઓ ઉપરી કક્ષાએ પહોંચાડશે.#MorbiUpdate #MorbiNews #MorbiMahanagarPalika #SatwaraSamaj #BJP #GujaratPolitics #Morbi #LocalElections2026