આગામી ચોમાસામાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે તંત્ર સજ્જમોરબી: આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રજાજનોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ આપત્તિ વ્યવસ્થાપન સુદ્રઢ બને તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઇ સુરાણીના અધ્યક્ષસ્થાને એક ખાસ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહત્વપૂર્ણ બેઠકમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચોમાસા પૂર્વેની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુબિયા, દંડક જયેશભાઈ દેસાઇ તેમજ શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા સહિતના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મેયર ઉત્તમભાઇ સુરાણીએ જણાવ્યું હતું કે, 'મોરબીના નાગરિકોની સુરક્ષા અને સુવિધા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચોમાસા દરમિયાન વહીવટી તંત્ર સજ્જ રહે અને પ્રજાને ન્યૂનતમ હાલાકી ભોગવવી પડે તે માટે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને કામ કરવા આદેશ આપવામાં આવ્યા છે.'ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા અને અન્ય પદાધિકારીઓએ પણ અધિકારીઓ સાથે વિવિધ વોર્ડની ભૌગોલિક સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી, પ્રી-મોન્સૂન પ્લાનનું અમલીકરણ સમયસર થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.બેઠકના મુખ્ય મુદ્દાઓ અને લેવાયેલા નિર્ણયો:નદી-નાળા અને ડ્રેનેજ સફાઈ: શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ડ્રેનેજ લાઈનો અને મોટા નાળાઓની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા સૂચના અપાઈ.રોડ-રસ્તાનું સમારકામ: ચોમાસા પહેલાં બિસ્માર રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ કરવા અને ભયજનક મકાનો/બાંધકામો અંગે યોગ્ય સર્વે કરી કાયદેસરની કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી.આરોગ્ય અને સ્વચ્છતા: ચોમાસામાં રોગચાળો ન ફેલાય તે માટે ફોગિંગ, જંતુનાશક દવાઓનો છંટકાવ અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા જળવાઈ રહે તે માટે આગોતરી રૂપરેખા તૈયાર કરાઈ હતી.#Morbi #MorbiNews #PreMonsoonPlan #MorbiNagarpalika #Monsoon2026 #MorbiUpdate