પોલીસે રેલવે સ્ટેશન રોડ પર બાઈક ચાલકને રોકતા બનાવટી પત્રકાર સીન સપાટા નાખવા આવ્યો અને સપડાયો, 10 હજારમાં પ્રેસકાર્ડ વેચનાર શખ્સની વિરુદ્ધ પણ ગુન્હો દાખલમોરબી : મોરબી શહેરમાં સીન સપાટા નાખવા માટે વાહનમાં પ્રેસના બોર્ડ લગાવી ફરવા વાળા તેમજ પત્રકારીત્વના અભ્યાસ કે અનુભવ વગર જ યુટ્યુબ ચેનલો શરૂ કરી લોકોને બ્લેક મેઇલિંગ કરતા તત્વોનો રાફડો ફાટ્યો છે ત્યારે ગઈકાલે વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ બાઈક ચાલકને પોલીસે રોકતા આવો જ એક બનાવટી પત્રકાર પ્રગટ થતાં પોલીસે આગવી ઢબે પૂછતાછ કરતા 9 ધોરણ પાસ બોગસ પત્રકાર અને રૂ.10 હજારમાં પ્રેસકાર્ડ વેચનાર શખ્સનો ભાંડો ફૂટી જતા બન્ને વિરુદ્ધ પોલીસે બીએનએસ કાયદાની આકરી કલમો મુજબ ગુન્હો નોંધ્યો હતો.મોરબીમાં લાયકાત વગરના બોગસ પત્રકાર અને પ્રેસકાર્ડ વેચવાના ચોંકાવનારા મામલે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ગુરુવારે બકરી ઇદ નિમિતે સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે રેલવે સ્ટેશન રોડ પર બજરંગ અખાડા પાસે જીજે - 10 - ડીક્યુ - 5802 નંબરનું બાઈક લઈને શંકાસ્પદ રીતે પસાર થતા કાસમ મોયુદિન શેખ ઉ.23 રહે.લાયન્સનગર, મોરબી વાળાને અટકાવી બાઇકમાં કાગળો માંગતા આ યુવકે કોઈ વ્યક્તિને ફોન કરી પોલીસને ઉભી રાખી હતી.થોડીવાર બાદ એક લાલ કલરની જીજે - 03 - એનકે - 6393 નંબરની મારુતિ બ્રેઝા કારમાં ડેસ બોર્ડ ઉપર press લખેલ બોર્ડ લગાવી આરોપી અસલમ હુસેનભાઈ શેખ ઉ.23 રહે.ક્રિષ્નાપાર્ક,વાવડી રોડ વાળો આવ્યો હતો અને પોલીસને છોકરાને કેમ હેરાન કરો છો તેમ કહી ધમકાવવા લાગ્યો હતો અને પોતે પત્રકાર હોવાની ઓળખ આપી મોબાઈલમાં તેમજ ગાડીમાં પડેલ પ્રેસ ઓફ ઇન્ડિયા લખેલ કાર્ડ બતાવી રોફ ઝાડયો હતો.જો કે,પોલીસને શંકા જતા આરોપીને લાતીપ્લોટ ચોકીએ લઈ જઈ ઊંડાણપૂર્વકની તપાસ કરતા પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપનાર આરોપી અસલમ હુસેનભાઈ શેખ પોપટ બની ગયો હતો.વધુમાં પોલીસની આગવી ઢબે પૂછપરછમાં આરોપી અસલમે કબલ્યુ હતું કે, પોતે માત્ર 9 ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે અને આરોપી રાધેશ કિશનલાલ બુધભટ્ટી રહે.વૃંદાવન સોસાયટી, મોરબી વાળા પાસેથી રૂ.10 હજારમાં આ કાર્ડ ખરીદ કર્યું હોવાનું કબુલ્યું હતું.દરમિયાન પોલીસે આરોપી રાધેશ કિશનલાલ બુધભટ્ટીને પણ પોલીસ મથકે બોલાવી ખરાઈ કરતા આરોપી રાધેશે જ પ્રેસકાર્ડ વેચ્યું હોવાનું ખુલતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ જર્નાલીઝમનો અભ્યાસ ન કર્યો હોવા છતાં પણ લાયકાત વગરના વ્યક્તિને બોગસ પ્રેસ આઈકાર્ડ વેચવા મામલે બીએનએસ કાયદાની આકરી કલમો મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.