પાણીની લાઇન, સ્ટ્રોમ વોટર અને ભૂગર્ભ ગટરના કામને નામે ઇન્ડસ્ટ્રીયલ હબને ખેદાનમેદાન કરી નંખાયોમોરબી : તળિયા, નળિયા અને ઘડિયાની નગરી તરીકે જાણીતા મોરબી શહેરમાં લાતીપ્લોટ વિસ્તાર ઉદ્યોગ હબ તરીકે વિકસેલો છે પરંતુ અહીં પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની તો ઠીક પરંતુ વરસાદી પાણી નિકાલની પણ કોઈ વ્યવસ્થા ન હોય દર વર્ષે ચોમાસામાં લાતીપ્લોટ મોટા તલાવડામાં ફેરવાઈ જાય છે ત્યારે શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના વોર્ડમાં હાલમાં કોર્પોરેશન દ્વારા વિકાસ કામોની વણઝાર શરૂ કરવામાં આવી છે. પરંતુ ઢંગધડા વગરના આયોજનને કારણે કારણે હાલમાં 3000 જેટલા વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.જો આગામી ચોમાસા પહેલા આ આફતભર્યા વિકાસના કામ ઝડપથી પૂર્ણ નહિ કરવામાં આવે તો ચોમાસામાં અહીંના વેપાર - ધંધા ઠપ્પ થઈ જવાની દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં વર્ષ 1980માં પહેલા નળીયા અને ફ્લોર ટાઇલ્સના કારખાના હતા.બાદમાં 1985 પછી અહીં ઘડિયાળ ઉદ્યોગ શરૂ થયો સાથે જ ગિફ્ટ આર્ટિકલ ઉપરાંત અન્ય સંલગ્ન ઉદ્યોગ, મોલ્ડીંગ મશીનઝ પ્લાસ્ટિક દાણા, ફોઈલિંગ, પેકેજીંગ, કાંટા, લાતી બજાર અને પ્લાયવુડ, સ્ટીલ, લોંખડ, ટાઇલ્સના શોરૂમો અને ટ્રાન્સપોર્ટ સહિત 3000 જેટલા નાના મોટા યુનિટો ધમધમી રહ્યા છે.પરંતુ વર્ષે દહાડે દોઢ કરોડથી વધુ વેરો ચૂકવતા લાતીપ્લોટ પ્રત્યે અત્યાર સુધીમાં ન તો નગરપાલિકાએ સુવિધા આપી ન તો મહાનગર પાલિકાએ.જો કે, ગત ચોમાસે લાતીપ્લોટ બેટમાં ફેરવાઈ જતા સ્થાનિક વેપારીઓએ ઉગ્ર દેખાવો કરી ડેપ્યુટી કમિશનરને પાણી અને કાદવ કીચડ ભરેલા રસ્તાઓ પર ચલાવતા અંતે કોર્પોરેશને અધૂરું રહેલ સ્ટ્રોમ વોટરનું કામ કર્યા બાદ માર્ચ 2026માં રૂ.4.27 કરોડના ખર્ચે ડ્રેનેજ અને 3 કરોડના ખર્ચે 13 કિલોમીટરની પાણીની નવી લાઇન નાખવાનું શરૂ કરતા હાલમાં આખો લાતીપ્લોટ ખેદાન મેદાન કરી નખાયો છે.એક પણ શેરી ખોદકામ વગરની ન હોય હવે ચોમાસુ ઢૂંકડું આવતા જ વેપારીઓ અને ઉદ્યોગપતિએ આવા ઉબડ ખાબડ માર્ગ પર ચોમાસામાં કેમ ચાલવું તેની ચિંતામાં ગરક થયા છે.ચોમાસા પહેલા કામ પૂર્ણ થતાં મેટલિંગ કરી દેવાશે : ડેપ્યુટી ઈજનેરમોરબીના લાતી પ્લોટમાં ડ્રેનેજ અને પાણીના લાઈનના કામને કારણે હાલમાં તમામ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે ત્યારે આ મામલે કોર્પોરેશનના ડેપ્યુટી ઈજનેર પ્રશાંત કણઝારીયાએ જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા લાઈનનું કામ પૂર્ણ કરી લેવામાં આવશે અને મેટલિંગ પણ કરી દેવામાં આવશે જેથી સ્થાનિકોને મુશ્કેલી નહિ પડેદોઢ વર્ષથી ખોદકામ બંધ જ નથી થતું, ચોમાસા પહેલા રસ્તા બનાવવા જરૂરી : અનિલ ખારેચા લાતીપ્લોટના ઉદ્યોગપતિ અનિલ ખારેચાએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી કોર્પોરેશન દ્વારા કોઈને કોઈ કામ માટે અહીં ખોદકામ કરવામાં આવી રહ્યું છે જે બંધ જ નથી થતું, વિકાસ થાય તે બધાને ગમે પરંતુ વિકાસ કામ આયોજન મુજબ હોવા જોઈએ ગત ચોમાસામાં અમારી હાલત અત્યંત કફોડી બની હતી એ જ રીતે જો યોગ્ય લેવલિંગ કરી ચોમાસા પહેલાં અહીં મેટલિંગ કરી રસ્તા નહિ બનાવવામાં આવે તો વેપારીઓ ઉદ્યોગકારો ખૂબ હેરાન થશે.અનિલભાઈ રોષભેર જણાવ્યું હતું કે, અમે વર્ષે દોઢ કરોડ વેરો અને 5થી 10 કરોડ રૂપિયા જીએસટી ચૂકવીએ છીએ છતાં કોઈ સુવિધા મળતી નથી ઊલટું હેરાનગતિનો ભોગ બની રહ્યા છીએ.આડેધડ ખોદકામને કારણે વાહનો ખુચી જાય છે : ટ્રાન્સપોર્ટર મોરબીના લાતીપ્લોટમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાયી અશિષભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં ગટર અને પાણીના કામને કારણે ચારેબાજુ રસ્તા ખોદી નાખવામાં આવ્યા હોય વગર ચોમાસે અમારા નાના વાહનો પસાર નથી થઈ શકતા ત્યારે ભારે વાહનોની વાત કરવી જ અસ્થાને છે.હાલમાં રીક્ષા સહિતના વાહનો યોગ્ય પુરાણના અભાવે ફસાઈ રહ્યા છે ત્યારે જો ચોમાસા પહેલા રસ્તાની મરામત નહિ કરવામાં આવે તો ધંધા બંધ કરવા સિવાય કોઈ ઉકેલ ન હોવાનું તેમને જણાવ્યું હતું.ચોમાસામાં હુડકા લઈને ફરવું પડે તેવી હાલત : ભાસ્કર પટેલ મોરબીના લાતીપ્લોટમાં છેલ્લા સાત વર્ષથી બિઝનેશ કરતા ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી અહીં ચાલતા પાણી, ગટરના કામનો કોઈ અંત જ આવતો નથી. હાલમાં અહીં દરરોજ બે ચાર વાહનો ફસાઈ જાય છે જેથી આગામી ચોમાસમાં તો અહીં હુડકા સિવાય આવન જાવન કરવી મુશ્કેલ બનશે તેવું જણાવી કોર્પોરેશન તંત્રને વહેલી તકે 3000થી વધુ ઉદ્યોગકારોના હિતમાં ઝડપભેર કામગીરી કરવા અપીલ કરી હતી.