મોરબી : મોરબી તાલુકાના માણેકવાડા ગામથી મોડપરને જોડતો રસ્તો હાલમાં બિસ્માર અને કાચો હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ સાવ બંધ હાલતમાં હોવાથી તેને રિપેર કરવા અને જોબ નંબર પાડવા માટે સ્થાનિક જાગૃત નાગરિક સાવન ગોધવિયા દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમ અને પીજી પોર્ટલ મારફતે રજૂઆત કરવામાં આવી હતી.આ રજૂઆતના પ્રત્યુત્તરમાં નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે કે આ રસ્તો હાલ નોનપ્લાન કાચી સપાટીનો ખેતરાઉ રસ્તો છે. આ કાચા માર્ગને પાક્કો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સરકારમાં નિયત નમૂનાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નવી દરખાસ્ત મુજબ, માણેકવાડા-કાંતીપુર-મોડપર રોડના 9 કિલોમીટર લંબાઈના કામ માટે 1400 લાખ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં માટીકામ, મેટલિંગ, ડામર કામ તેમજ નાળા-પુલિયા અને સી.સી. રોડની કામગીરીનો સમાવેશ થાય છે. આ રસ્તો બનવાથી માણેકવાડા, કાંતીપુર અને મોડપર ગામના લોકોને સીધો ફાયદો થશે અને તેમની વચ્ચેનું અંતર ઘટશે. આ ત્રણેય ગામોની અનુક્રમે 1670, 500 અને 1506 ની વસ્તીને આ પાક્કા રોડનો લાભ મળશે. રસ્તો પંચાયત વિભાગ હસ્તક નોંધાયેલ ન હોવાથી સીધું રિપેરિંગ શક્ય નથી, પરંતુ દરખાસ્તને સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ સક્ષમ કક્ષાએથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.#Morbi #MorbiUpdate #Manekwada #Modpar #Kantipur #RoadDevelopment #GujaratGovernment #GoG #PublicWork