કોઈ કોર્પોરેટર બાઇકમાં આવ્યા, તો કોઈ ભેગા મળીને કારમાં આવ્યા : મંત્રી કાંતિલાલની પણ ઉપસ્થિતિમોરબી : મોરબી મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે કોર્પોરેટરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં સામેલ થવા કોઈ બાઈક લઈને આવ્યું હતું તો કોઈ કાર શેરિંગ કરીને બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા છે. આ બેઠકમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતી રહી છે. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના હાજર રહ્યા છે.આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મહાનગરપાલિકાના નવા બિલ્ડિંગના 2જા માળે હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌપ્રથમ ફોર્મ ભરવા, ફોર્મ પરત ખેંચવા અને ત્યારબાદ ચૂંટણી યોજવાની વિધિવત કાર્યવાહી કરવામાં આવશે. પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવશે અને તે મુજબ જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, 12 સભ્યો, દંડક અને શાસક પક્ષના નેતા નક્કી કરવામાં આવશે. ભાજપ દ્વારા ગઈકાલે જ તમામ 52 સભ્યોને બોલાવીને પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા મેન્ડેટ મુજબ જ મત આપવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.આજે બપોરે 12 વાગ્યાની આસપાસ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર કોણ બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલમાં મેયર પદ માટે ગણેશ ડાભી અને ભૂપત જારિયાના નામો જોરશોરથી ચર્ચામાં છે. જોકે, પક્ષ દ્વારા આ બેમાંથી કોઈ એક પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે કે પછી ત્રીજા જ કોઈ ઉમેદવારનું નામ સરપ્રાઈઝ તરીકે સામે આવે છે તે જોવું રહ્યું. આજની પ્રક્રિયામાં મુખ્યત્વે 3 ચૂંટણીઓ થશે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને 12 સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ચૂંટાશે. સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો ચૂંટાઈ ગયા બાદ, તેમની એક અલગથી બેઠક મળશે અને તે બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નક્કી કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MayorElection #GujaratPolitics #MorbiNews #BJP #MorbiBreaking