સામાન્ય લોકો સામે ધોકો પછાડતી મહાપાલિકા સામે કોણ કાર્યવાહી કરશે? : ફાયર સેફટી અને BU પરમિશન ક્યારે મળે છે તેના ઉપર સૌની નજર!મોરબી : નવરચિત મોરબી મહાનગર પાલિકામાં બાવને બાવન બેઠક ભાજપને મળ્યા બાદ ચૂંટણી પરિણામોના 28 દિવસ બાદ આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગના 12 સભ્યો સહીત ચેરમેનની નિમણૂક થનાર છે.જો કે, ફાયર સેફટી વગરના બિલ્ડીંગ સીલ કરી દેતી કોર્પોરેશનના ઘર આંગણે જ બનેલા નવા બિલ્ડીંગમાં નથી બીયું પરમિશન કે, નથી ફાયર સેફટી છતાં આજે અહીં નવા મેયર પદભાર સંભાળશે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકા સમયમાં વર્ષ 2018માં કચેરીના પ્રાંગણમાં ઘેઘુર વડલો કાપી નાખી અહીં નવી કચેરી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા લાંબા સમય સુધી બંધ પડેલી કામગીરી કોર્પોરેશન અસ્તિત્વમાં આવતા ફરી શરૂ કરવામાં આવી હતી. જો કે, તેમાં પણ ત્રણ કોન્ટ્રાકટર અને બે પેટા કોન્ટ્રાકટર બદલવા છતાં કામ અધૂરું રહેતા કોર્પોરેશને રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે અધૂરા શ્રાપિત બિલ્ડીંગનું કામ નવા કોન્ટ્રાક્ટરને સોંપ્યું હતું. જો કે, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, શહેરમાં કોઈપણ નાના મોટા બાંધકામ માટે બિલ્ડીંગ પ્લાન ફરજીયાત હોય છે પરંતુ કોર્પોરેશનના ઘર આંગણે બનેલા આ નવા બિલ્ડીંગમાં બાંધકામ પૂર્ણ થયાની અને વપરાશ અંગેનું સર્ટીફિકેટ જ નથી. સાથે જ ફાયર સેફટી માટે ગામ આખામાં અનેક બિલ્ડીંગ સીલ કરી નાખનાર કોર્પોરેશને અહીં ફાયર સેફટી પણ પુરી લગાવી નથી.જો કે, કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના શુભમ પટેલે જણાવ્યું હતું કે, સરકારી બિલ્ડીંગ હોય મંજુરીની જરુંર નથી સાથે જ બિલ્ડીંગ યુઝ પરમિશન માટેની કામગીરી હાલ ચાલુ હોવાનું તેમને જણાવ્યું હતું.બે ત્રણ દિવસમાં ફાયર સેફટીના સાધનો લાગી જશે : ડેપ્યુટી કમિશનરમોરબી મહાનગર પાલિકામાં નવા બનેલા બિલ્ડીંગમાં બીયું પરમિશન વગર જ આજે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનો શપથ સમારોહ અને મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂક માટે સામાન્ય સભા યોજનાર છે ત્યારે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, પહેલા અને બીજા માળે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બે ત્રણ દિવસમાં જ અહીં ત્રીજા માળની ફર્નિચર સહિતની કામગીરી પૂર્ણ કરી લઈ ફાયર સેફટીના સાધનો પણ લગાવી દેવામાં આવશે.સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, લાંબો સમય અધૂરૂ રહેલ કામ પૂર્ણ થતાં નવા મેયર, ડેપ્યુટી મેયરની વરણી પહેલા હવન સહિતની ધાર્મિક વિધિ કરાવવામાં આવી હતી.પ્રજા પર ધોકો ફાયર સેફટીનો ધોકો પછાડતી મહાપાલિકાને નિયમ લાગુ ન પડે !મોરબી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મંજુર વગરના અનેક કામો બંધ કરવાની સાથે જેસીબી ફેરવી દેવામાં આવ્યા છે ત્યારે પ્રજા પર ધોકા અને દંડનો કાયદો ઉગામતી મહાનગર પાલિકામાં જ ઉચ્ચ અધિકારીઓ અને ટાઉન પ્લાનિંગ વિભાગ હાલમાં કચેરીના જ નવા બિલ્ડીંગમાં બીયું પરમિશન અને પૂરતી ફાયર સેફટી વગર જ કચેરી શરૂ કરવા જઈ રહી હોય નિયમની અમલવારીને લઇ કોર્પોરેશનનું તંત્ર કાયદાનો ઉલાળીયો કરતું હોવાનું સ્પષ્ટ બન્યું છે.અધૂરું કામ શરૂ કરતા અગાઉ કોન્ટ્રાક્ટરે અહીં બાલિકા ભોજન કરાવ્યું હતુંમોરબી કોર્પોરેશનના પ્રાંગણમાં નવા બિલ્ડીંગની કામગીરી શરૂ કરાવતી વેળાએ ઘેઘુર વડલો કાપી નાખતા નવા બિલ્ડીંગના નિર્માણમાં અનેક વિઘ્ન આવ્યા હતા.આ વિઘ્ન દૂર કરવા છેલ્લે કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરી કોન્ટ્રાકટ આપવામાં આવતા નવા કોન્ટ્રાક્ટરે અહીં લાપસી રાંધવાની સાથે બાલિકાઓને ભોજન કરાવી હેમખેમ કામ પૂર્ણ થવાની કામના કરી હતી.જે કામના મુજબ હાલમાં નવી બિલ્ડીંગ તૈયાર થઈ જતા હવે ઉચ્ચ અધિકારીઓએ પણ હેમખેમ કામ પૂર્ણ થતાં હવન પણ કરાવ્યો હતો. જો કે, ભારતીય બંધારણના નિયમો મુજબ સરકારી કચેરીમાં ધાર્મિક કાર્યની મનાઈ છે.