30 મિનિટના પાવર કાપના નામે કલાકો સુધી લાઈટ ગુલ થવાની ઉદ્યોગકારોની ફરિયાદ : ભારે હાલાકીમોરબી: મોરબીના પીપળી -જેતપર રોડ પર આવેલા સિરામિક એકમો હાલ બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ ડીઝલની ભારે અછત છે, તો બીજી તરફ PGVCL દ્વારા વારંવાર કરવામાં આવતા પાવર કાપને કારણે ઉદ્યોગકારો પરેશાન થઈ ગયા છે. છેલ્લા 7 દિવસમાં આજે 5 મી વખત લાઈટ ગુલ થતા ફેક્ટરી માલિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.પીપળી જેતપર રોડ પર આવેલ સિરામિક એકમોના ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, PGVCL અને ઉદ્યોગકારો વચ્ચે સંકલન માટે 'Jetpar Bela Road GEB-PGVCL' નામનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. પરંતુ તેમાં અધિકારીઓ કોઈ જવાબદારી લેતા નથી કે યોગ્ય જવાબ આપતા નથી. આજે સવારે 11:41 કલાકે મેન્ટેનન્સ માટે 30 મિનિટનો પાવર કાપ (LC) લેવામાં આવ્યો હતો, પરંતુ 1:18 વાગ્યા સુધી પાવર ચાલુ કરવામાં આવ્યો ન હતો. વોટ્સએપ ગ્રુપમાં ઉદ્યોગકારો પૂછપરછ કરીને કંટાળ્યા છે, છતાં કોઈ રિસ્પોન્સ મળતો નથી.વધુમાં, હાલમાં બજારમાં 140 રૂપિયાના ભાવે પણ ડીઝલ મળતું નથી. લાઈટ ન હોવાને કારણે કારખાનાઓ જનરેટર પર આધારિત છે, પરંતુ ડીઝલ પૂરું થવા આવ્યું હોવાથી હવે જનરેટર પણ બંધ થવાની તૈયારીમાં છે. પાવર કટના કારણે ફેક્ટરીમાં કામ કરતા ઊંચા પગારના શ્રમિકો કામ વિના નવરા બેઠા છે, જેનાથી ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.ઉદ્યોગકારોનો સ્પષ્ટ આક્ષેપ છે કે જ્યારે સિરામિક કારખાના 2.5 મહિના સુધી બંધ હતા, ત્યારે PGVCL ને વારંવાર રજૂઆત કરવા છતાં થાંભલા કે વાયરિંગનું કોઈ મેન્ટેનન્સ કરવામાં આવ્યું ન હતું. હવે જ્યારે ફેક્ટરીઓ ચાલુ છે ત્યારે ટેમ્પરરી રિપેરિંગના નામે ઉદ્યોગોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો પીપળી જેતપર રોડ પરના 80 થી 90 સિરામિક યુનિટોને ફરજિયાત બંધ કરવાનો વારો આવશે.#MorbiUpdate #MorbiNews #CeramicIndustry #PGVCL #PowerCut #DieselShortage #MorbiCeramic #GujaratNews