જૂનું વડનું વૃક્ષ કાપ્યા બાદ 3 થી વધુ કોન્ટ્રાક્ટરો બદલાયા હતા, 5 પ્રયત્નો પછી એજન્સી ફાઈનલ થઈ; આવતીકાલે નવા પદાધિકારીઓ ચાર્જ સંભાળશેમોરબી : મોરબી મહાનગરપાલિકાના નવા બિલ્ડીંગનું કામ આખરે પૂર્ણ થઈ ગયું છે. લોકવાયકા અનુસાર, જે જગ્યાએ આ બિલ્ડીંગ બની છે ત્યાં એક જૂનું ઘેઘુર વડનું વૃક્ષ હતું, જેને કાપી નાખવામાં આવ્યું હતું. આ વૃક્ષ કાપ્યા બાદ 3 થી વધુ કોન્ટ્રાક્ટરો અને 2 જેટલા પેટા કોન્ટ્રાક્ટરો બદલાયા હતા, છતાં બિલ્ડીંગનું કામ 3 વર્ષ સુધી અધૂરું જ રહ્યું હતું.મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી અને નવેમ્બર માસમાં નવેસરથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અધૂરું બિલ્ડીંગ પૂરું કરવા માટે વધુ 3.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 થી 15 દિવસથી રાત-દિવસ કામ ચાલુ રાખીને ટાઇલ્સ અને કલરકામ સહિતનું બાંધકામ તાબડતોબ પૂર્ણ કરવામાં આવ્યું છે.મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018 માં જ્યારે મોરબીમાં નગરપાલિકા હતી ત્યારે આ જર્જરિત બિલ્ડીંગને નવું બનાવવા મંજૂરી મેળવી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે પણ કામગીરી અધૂરી રહી હતી. મહાનગરપાલિકા બન્યા બાદ આ અધૂરું બિલ્ડીંગ પૂરું કરવા માટે 5 પ્રયત્નો પછી એજન્સી ફાઇનલ કરવામાં આવી હતી. હાલમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને થર્ડ ફ્લોરના ચેમ્બરનું કામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે. આવતીકાલે ચૂંટણી યોજાવાની હોવાથી સેકન્ડ ફ્લોરનો હોલ, મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બર પણ તૈયાર કરી દેવામાં આવી છે. બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ છે જે 3 દિવસમાં પૂર્ણ થઈ જશે.આ બિલ્ડીંગને લોકો શ્રાપિત માનતા હતા અને કોન્ટ્રાક્ટરોને પણ અનેક તકલીફો આવી હોવાથી, નવી બોડી અને બિલ્ડીંગ યોગ્ય રીતે ચાલે તે માટે આજે 12 કલાક સુધી નવચંડી યજ્ઞ, શાંતિ યજ્ઞ અને વાસ્તુ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ હવનમાં કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યો અને ડેપ્યુટી કમિશનર બેઠા હતા અને સંપૂર્ણ ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #NewBuilding #NavchandiYagna #MorbiNews