મોરબી : મોરબી શહેરના વોર્ડ નંબર 2 માં આવેલા વીસીપરા વિસ્તારમાં વારંવાર પાણી કાપના કારણે લોકોને પડતી મુશ્કેલી બાબતે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, વીસીપરા વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પાણી કાપ બાબતે અવારનવાર તંત્રને ફરિયાદ કરી છે. જો પાણી સપ્લાય આપવામાં આવે છે તો પ્રેશર પણ ઘણું ધીમું આપવામાં આવે છે. જેના કારણે છેવાડા સુધી પાણી પહોંચતું નથી.આ ઉપરાંત પાણી આપવાનો કોઈ સમય પણ નક્કી હોતો નથી. ઉનાળાની અસહ્ય ગરમીના ધોમ ધકતા તાપમાં પાણી વિના રહિશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકા ચૂંટણી પૂરી થયા પછી આ પછાત વિસ્તારમાં ભેદભાવની નીતિ રાખીને પાણી સપ્લાય જાણી જોઈને આપવામાં આવતું ન હોવાનો પણ આરોગ લગાવ્યો છે. પુષ્પરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે, તાત્કાલિક ધોરણે પાણી સપ્લાય ચાલુ કરવામાં આવે. જો પાણીનો પ્રશ્ન તાત્કાલિક ધ્યાને નહીં લેવામાં આવે તો વીસીપરા વિસ્તારના રહિશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે.