દિવથી માતાના મઢ દર્શન કરીને યાત્રિકો ઇકો કારમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે ઇકોનું ટાયર ફાટતા સામેની સાઈડ જઈને ટ્રક સાથે અથડાઈમાળિયા (મિયાણા) : માળિયા મિયાણાના હરિપરના પાટિયા પાસે હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માતાના મઢથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો દીવના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, દીવનો કાપડિયા પરિવાર પોતાની ઇકો ગાડી લઈને કચ્છ ખાતે આવેલા માતાના મઢે દર્શન કરવા માટે ગયો હતો. તેઓ માતાના મઢથી દર્શન કરીને દીવ પરત ફરી રહ્યા હતા ત્યારે માળિયા હાઇવે પર હરિપરના પાટિયા પાસે તેમની ઇકો કારનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા જ ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર બેકાબુ બનીને સામેની સાઈડમાં ઘૂસી ગઈ હતી. જ્યાં સામેથી આવી રહેલા એક ટ્રક સાથે ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર 4 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. ઇકો કારમાં કુલ 6 લોકો સવાર હતા. જેમાં મનોજભાઈ લક્ષ્મણભાઈ કાપડિયા, જિયાન્સુ મનોજભાઈ કાપડિયા (ઉ.વ.8), કંચનબેન વિરજીભાઈ બાંભણીયાના મોત નિપજ્યા છે. જ્યારે જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા, વૈદશ્રી મનોજભાઈ કાપડિયા (ઉ.વ.12)ને ઇજા પહોંચી છે. મૃતકોને સૌપ્રથમ માળિયા લઈ જવાયા હતા અને ત્યારબાદ ત્યાંથી પોસ્ટમોર્ટમ માટે મોરબી ખસેડાયા છે.ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ સુરજબારી ટોલ નાકાની ટીમ અને 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #Maliya #Accident #MorbiNews #Gujarat #Diu #MataNoMadh