ભૂકંપના સમયથી શરૂ થયેલી સેવાની સરવાણી આજે પણ અવિરત, ખાનગીમાં હજારો રૂપિયામાં થતા ઓપરેશન અહીં થાય છે તદ્દન મફતવાંકાનેર: વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ લોકોની આરોગ્ય વિષયક મુશ્કેલીઓ નિવારવા માટે મૂળ વાંકાનેરના અને યુકે સ્થાયી થયેલા ડૉ. રમણીકભાઇ મહેતા તેમજ તેમના પત્ની ડૉ. ભાનુબેન મહેતાએ પૂર્વ રાજ્યસભા સાંસદ લલિતભાઈ મહેતા સાથે મળીને દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલે હવે તબીબી ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચી દીધો છે. હોસ્પિટલના જાણીતા સર્જન ડૉ. જીતેન્દ્ર જેઠાણીએ માત્ર 6 કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ' માં પોતાનું અને સંસ્થાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.ગુજરાતનું ગૌરવ અને વિનામૂલ્યે સારવારનો સેવાયજ્ઞમોરબી જિલ્લાનું આ એકમાત્ર એવું ટ્રસ્ટ છે જે મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન કરે છે, અને સમગ્ર ગુજરાતના ગણ્યાગાંઠ્યા ટ્રસ્ટોમાંથી એક છે જે ત્રાંસી આંખના ઓપરેશન પણ તદ્દન મફત કરી આપે છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં ત્રાંસી આંખના એક ઓપરેશનનો ખર્ચ 30000 થી 40000 રૂપિયા જેટલો થાય છે, ત્યારે અહીં દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના ઓપરેશન અને દવાઓ પણ મફત આપવામાં આવે છે. ડૉ. જીતેન્દ્ર જેઠાણી અને દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષ 2008 થી સતત આવા દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે.ટીમવર્કના સહિયારા પ્રયાસથી સ્થાપિત થયો નવો માઈલસ્ટોનઅત્યાર સુધીમાં 14000 થી વધુ આંખના ઓપરેશન કરી ચૂકેલા ડૉ. જીતેન્દ્ર જેઠાણીના અખૂટ જ્ઞાનનો લાભ દેશ-વિદેશના ઓપ્થલમોલોજિસ્ટ્સ (આંખના ડોક્ટરો) ને પણ મળી રહ્યો છે. આ ઐતિહાસિક રેકોર્ડ બનાવવામાં ડૉ. જેઠાણીની અથાગ મહેનતની સાથે એનેસ્થેટિસ્ટ ડૉ. હાર્દિક કાવર, ડૉ. પૂજા પરેચા, મેનેજર મેક્સવેલ ક્રિશ્ચન અને દેવદયા હોસ્પિટલના તમામ સ્ટાફે સહિયારો પુરુષાર્થ કર્યો હતો. આ સમગ્ર રેકોર્ડની પ્રક્રિયા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના જજ તરીકે આવેલા પ્રતિનિધિ રિતેશભાઇ હર્ષદકુમાર ચાણપુરાની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી.સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા ડૉ. જેઠાણીને અભિનંદનઆ અદભુત સિદ્ધિ બદલ દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વતી ડૉ. જેઠાણીનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તેમણે આ રેકોર્ડ માટે વાંકાનેરની એન.આર. દોશી આંખની હોસ્પિટલની પસંદગી કરી. ટ્રસ્ટના ફાઉન્ડર ડૉ. ભાનુબેન મહેતા, દેવેશભાઈ મહેતા તેમજ પ્રમુખ રાજેશભાઈ કોઠારી સહિતના તમામ ટ્રસ્ટીઓએ ડૉ. જેઠાણી અને તેમની ટીમને આ અતુલ્ય માઈલસ્ટોન સર કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.#MorbiUpdates #WankanerNews #DevdayaCharitableTrust #IndiaBookOfRecords #EyeSurgeryRecord #MedicalMilestone #MorbiHealth #FreeEyeCamp