મૂર્તિ સ્થાપનામાં અવરોધ, ગર્ભગૃહમાં મોબાઈલનો ઉપયોગ અને ગેરવહીવટ સહિતના ગંભીર આક્ષેપો સાથે સામાજિક કાર્યકરોનું 15 દિવસનું અલ્ટીમેટમ ; ટ્રસ્ટીઓએ તમામ આરોપો ફગાવ્યામોરબી : મોરબીના પ્રસિદ્ધ અને પૌરાણિક કુબેરનાથ દાદાના મંદિરમાં ટ્રસ્ટ મંડળના હોદ્દેદારોની મનમાની અને ગેરવહીવટ સામે સામાજિક કાર્યકરો અને દર્શનાર્થીઓએ મોરચો માંડ્યો છે. સામાજિક કાર્યકર રાજુ દવે, જગદીશ બાંભણીયા, ગીરીશભાઈ કોટેચા અને દેવેશભાઈ રાણેવાડિયા સહિતના આગેવાનોએ કુબેરનાથ ટ્રસ્ટ મંડળને લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ટ્રસ્ટીઓ મનસ્વી રીતે વહીવટ ચલાવી રહ્યા છે. એક ભાવિક દ્વારા શનિદેવ અને ભૈરવ દાદાની મૂર્તિ સંપૂર્ણ સ્વખર્ચે સ્થાપિત કરવાની તૈયારી દર્શાવવા છતાં અને અગાઉ ડાયાગ્રામ મુજબ મંજૂરી આપ્યા બાદ હવે ટ્રસ્ટીઓ દ્વારા મનસ્વી રીતે જગ્યા બદલી નાખવામાં આવી છે. તારીખ 10/07/2025 ના રોજ આવેલી મૂર્તિઓ ધૂળ ખાઈ રહી છે, છતાં ટ્રસ્ટીઓ દ્વારા મૂર્તિ સ્થાપનાના કાર્યમાં કોઈ રસ દાખવવામાં આવતો નથી.આ ઉપરાંત મંદિરમાં ચાલતા વહીવટ અંગે પણ ચોંકાવનારા આક્ષેપો થયા છે. સેક્રેટરી દ્વારા ગર્ભગૃહમાં મોબાઈલ લઈ જઈ કલાકો સુધી અંદર બેસી રહેવાથી અન્ય ભક્તોને જળાભિષેકનો લાભ ન મળતો હોવાનો રોષ ઠાલવવામાં આવ્યો છે. મંદિરમાં જમણવાર માટે મનસ્વી રીતે હોલ ભાડે આપી ક્ષમતા કરતા 3 ગણા લોકોને એકઠા કરી ભયંકર અવ્યવસ્થા અને ગંદકી સર્જવામાં આવતી હોવાની પણ રાવ ઉઠી છે. મહાશિવરાત્રી જેવા પર્વો પર પણ અમુક ખાસ લોકો જ ગર્ભગૃહ અને આખા હોલનો ઉપયોગ કરતા હોવાથી સામાન્ય દર્શનાર્થીઓમાં ભારે રોષ છે.ટ્રસ્ટીઓ દ્વારા ભગવાનની મૂર્તિ માટે જગ્યા ન ફાળવીને લગ્ન હોલ ભાડે આપવાની વિચારણા સામે પણ સખત વિરોધ નોંધાવાયો છે.સામાજિક કાર્યકરોએ ચીમકી આપી છે કે જો 15 દિવસમાં આ તમામ બાબતોનો સંતોષકારક જવાબ નહીં મળે તો માહિતી અધિકાર હેઠળ જવાબ માંગવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કે અનશન જેવા કડક પગલાં લેવામાં આવશે.આ સમગ્ર મામલે ટ્રસ્ટી અશ્વિનભાઈ કોટકે જણાવ્યું હતું કે, આ તમામ આરોપો ખોટા છે. શનિદેવની મૂર્તિ સ્થાપિત કરવા માટે ઓછામાં ઓછી 15x20ની જગ્યા જોઈએ. અને આટલી જગ્યા મંદિર પરિસરમાં નથી. તેમજ હોલ માત્ર ભંડારા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટીઓ ઉપર લાગેલા આરોપો તદ્દન ખોટા અને વાહિયાત છે. તેમજ ચેરિટી ટ્રસ્ટના કોઈ નિયમોનો ઉલાળીયો થયો નથી.#Morbi #MorbiUpdate #KubernathTemple #MorbiNews #Gujarat #MorbiCity #SocialWorkers #PublicProtest