જિલ્લાના કુલ 200 પંપમાંથી આશરે 50 જેટલા ખાનગી પંપોએ સપ્લાય બંધ કરતા સમગ્ર જિલ્લાનું ભારણ સરકારી અને અન્ય પંપો પર આવી ગયું : ઓચિંતી ડિમાન્ડ વધી હોવાથી આ સમસ્યા સર્જાય હોવાની તંત્રની સ્પષ્ટતામોરબી : મોરબી જિલ્લામાં હાલ ડીઝલની ભારે અછત સર્જાઈ હોવાની રાવ ઉઠી છે, જેના કારણે સિરામિક ઉદ્યોગથી લઈને ખેડૂતો સુધીના તમામ વર્ગો મુશ્કેલીમાં મુકાયા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાની દૈનિક ડીઝલની જરૂરિયાત સામે હાલ પૂરતું ડીઝલ મળી રહ્યું નથી.મોરબીમાં ખાનગી કંપનીઓ જેવી કે ન્યારા અને જીઓ-બીપી દ્વારા સપ્લાય બંધ કરી દેવામાં આવી છે.ન્યારા કંપનીએ મોરબી જિલ્લામાં આવેલા પોતાના આશરે 40 જેટલા પંપ પર ડીઝલનો પુરવઠો સાવ બંધ કરી દીધો છે અને ડીલરોને માત્ર બેઠું કમિશન જ આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ, જીઓ-બીપી કંપની પોતાના 'ટ્રાન્સ કનેક્ટ' કાર્ડધારકોને જ ડીઝલ આપી રહી છે અને બજારમાં અન્ય ગ્રાહકોને માલ આપવાનું બંધ કરી દીધું છે. મોરબીમાં જીઓના 8 થી 10 પંપ આવેલા છે. જિલ્લાના કુલ 200 પંપમાંથી આશરે 50 જેટલા ખાનગી પંપોએ સપ્લાય બંધ કરતા સમગ્ર જિલ્લાનું ભારણ સરકારી અને અન્ય પંપો પર આવી ગયું છે.પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર અન્ય પંપો પર કંપનીઓ દ્વારા ગયા વર્ષના આ જ મહિનાના વપરાશ મુજબનો જૂનો કોટો જ આપવામાં આવી રહ્યો છે, જેથી વધેલી માંગને પહોંચી વળાતું નથી. કન્ઝ્યુમર પંપો (ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટ સપ્લાય) માટે ડીઝલનો ભાવ 140 રૂપિયાથી વધુ કરી દેવામાં આવ્યો છે. આથી, મોટા વપરાશકારો પણ ત્યાંથી ખરીદી કરવાને બદલે છૂટક પંપો પરથી ખરીદી રહ્યા છે, જેના કારણે અછત વધુ ઘેરી બની છે.ખેડૂતો અને સિરામિક ઉદ્યોગની હાલત કફોડીડીઝલ ન મળવાના કારણે ખેડૂતોની હાલત સૌથી ખરાબ થઈ છે. સિઝન હોવા છતાં, ખેડૂતને 4000 રૂપિયાના ડીઝલની જરૂર હોય તો માંડ 2000 રૂપિયાનું ડીઝલ પંપ પરથી મળી રહ્યું છે. બીજી તરફ, જો આ જ પરિસ્થિતિ રહેશે તો આગામી 5 દિવસમાં સિરામિક કારખાનાઓ પણ બંધ કરવા પડે તેવી નોબત આવી શકે છે. પેટ્રોલિયમ ડીલરોના જણાવ્યા મુજબ તેઓ વેપાર કરવા બેઠા છે અને દરેકને ડીઝલ આપવા માંગે છે, પરંતુ કંપનીઓ તરફથી પૂરતો માલ જ નથી મળી રહ્યો.લોકોમાં ગભરાહટ ફેલાઈ હોવાથી વધુ માત્રામાં ડિઝલનો સંગ્રહ કરી રહ્યા છે : પુરવઠા અધિકારીમોરબી જિલ્લા પુરવઠા અધિકારી ગોહિલના જણાવ્યા અનુસાર, મોરબીમાં ડીઝલની કોઈ જ અછત નથી. સામાન્ય દિવસોમાં મોરબી જિલ્લામાં દૈનિક ડીઝલની માંગ હોય છે, તેનાથી 30% વધુ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. લોકોમાં ગભરાટ ફેલાયો હોવાથી તેઓ વધુ માત્રામાં ડીઝલ ખરીદીને સંગ્રહ કરી રહ્યા છે. પેટ્રોલ પંપ પાસે જે સ્ટોક સામાન્ય રીતે 2 દિવસ ચાલતો હોય છે, તે લોકોની ભીડને કારણે માત્ર 3 થી 4 કલાકમાં ખાલી થઈ જાય છે. અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ખોટો સંગ્રહ ન કરવા અપીલ પણ કરવામાં આવનાર છે. આ બાબતે તમામ ડેટા ઓનલાઈન મોનિટર થઈ રહ્યો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તથા પંપ ડીલર્સ સાથે મીટિંગ પણ કરવામાં આવી છે.ડીઝલ ન મળતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ થવાના આરે : ટ્રક એસો.પ્રમુખટ્રક એસોસિએશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની વાસ્તવિક સ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું કે ડીઝલ પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે મોરબીમાં ટ્રકોના પૈડાં થંભી ગયા છે. મોરબીમાં દરરોજ 8000 થી 10000 ટ્રકોની આવનજાવન હોય છે, જે ઘટીને અત્યારે માત્ર 2000 જેટલી રહી ગઈ છે. પેટ્રોલ પંપ પરથી ટ્રકોને માત્ર 50 થી 60 અથવા વધુમાં વધુ 100 લીટર ડીઝલ જ આપવામાં આવે છે. ભારે વાહનોની એવરેજ માત્ર 2 થી 3 કિલોમીટર પ્રતિ લીટર હોય છે, તેથી 50 લીટર ડીઝલથી વાહન લાંબુ અંતર કાપી શકતું નથી. એસોસિએશનની માંગ છે કે ટ્રક દીઠ ઓછામાં ઓછું 100 થી 150 લીટર ડીઝલ આપવામાં આવે જેથી ટ્રક 200 થી 250 કિલોમીટર કાપીને આગળના પંપ સુધી પહોંચી શકે. આ પરિસ્થિતિને લઈને કચ્છના ટ્રક એસોસિએશન દ્વારા પણ બંધ પાળવા અંગે વિચારણા ચાલી રહી છે.#MorbiUpdate #MorbiNews #DieselShortage #MorbiCeramic #GujaratFarmers #MorbiDistrict #GujaratNews #FuelCrisis