કોર્પોરેશને ફરી હાજરી કૌભાંડ ન થાય તે માટે નવું એટેન્ડન્સ મશીન લગાવ્યુંમોરબી : મોરબી મહાનગર પાલિકાના વર્કશોપ વિભાગમાં નોકરી પર ન આવતા કર્મચારીઓની હાજરી પુરી બારોબાર પગાર હજમ કરી જવાના ચકચારી કૌભાંડમાં 15 દિવસ બાદ પણ એક પણ આરોપી પોલીસ ગિરફતમાં આવ્યો નથી. બીજી તરફ જ્યાં હાજરી કૌભાંડ આચરવામાં આવ્યું તેવા કોર્પોરેશન વિભાગ દ્વારા જ હજુ પોલીસને પૂરતા પુરાવા આપવામાં આવ્યા ન હોવાથી હાલમાં તપાસ મંથર ગતિએ ચાલી રહી હોવાનું તેમજ કૌભાંડીઓ ખુલ્લા ફરી રહ્યાનું સામે આવ્યું છે. જો કે, ભવિષ્યમાં પ્રજાના પૈસા કૌભાંડમાં ન જાય તે માટે હાલમાં કોર્પોરેશને નવું એટેન્ડન્સ મશીન વસાવ્યું હોવાનું પણ જાણવા મળે છે.મે માસની શરૂઆતમાં મોરબી કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરના ધ્યાને આવ્યું હતું કે, વર્કશોપના કેટલાક કર્મચારીઓ એક જ સમયે ફિંગરપ્રિન્ટ વાળા એટેન્ડન્સ મશીનમાં હાજરી પૂરતા હતા જેથી શંકાસ્પદ કર્મચારીઓના હાજરી સમયના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા વર્કશોપના કરાર આધારિત આવા આઠ કર્મચારીઓ પોતાના હાથની અલગ અલગ આંગળીઓ મૂકી અન્ય કર્મચારીઓ ફરજ પર આવતા ન હોવા છતાં તેમની હાજરી પૂરતા હોવાનું સ્પષ્ટ બનતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ આઠ કર્મચારીઓ વિરુદ્ધ તા.9મે ના રોજ વિધિવત ફરિયાદ નોંધાવી હતી.જો કે, આશ્ચર્ય એ વાતનું છે કે, પોલીસ ફરિયાદના 12 દિવસ વીતવા છતાં હજુ પણ એક પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ હાજરી કૌભાંડ મામલે કોર્પોરેશનને અન્ય વિભાગોમાં પણ તપાસ કરતા આવા વધુ આઠ કર્મચારીઓ કૌભાંડ આચરતા હોવાનું સામે આવતા હાલમાં કોર્પોરેશનના સતાધીશોએ હાજરી પુરવાનું મશીન જ બદલાવી નાખ્યું હોવાનું સામે આવ્યું છે.કોર્પોરેશન પાસે ભરતી સહિતના પુરાવા માંગ્યા પણ હજુ અપાયા નથીમોરબી કોર્પોરેશનના હાજરી કૌભાંડ અંગે તપાસનિશ અધિકારી જે.વી.ઝાલાએ જણાવ્યું હતું કે, હાલમાં હાજરી કૌભાંડ અંગે બેંકના સ્ટેટમેન્ટ સહિતના પુરવાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ હાજરીમાં ગરબડી કરનાર આરોપીઓ એવા કર્મચારીઓના ભરતી સહિતના પુરાવા કોર્પોરેશન પાસે માંગ્યા છે જે આવ્યા બાદ તપાસ આગળ વધશે.હાજરી કૌભાંડમાં પુરાવા એકત્રિત કર્યા બાદ ધરપકડ : તપાસનીશ પોલીસ અધિકારીમોરબી મહાનગર પાલિકામાં બોગસ હાજરી પુરી લાખો રૂપિયાનું કૌભાંડ કરવાના ચકચારી બનાવમાં તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી એકપણ આરોપીઓની ધરપકડ કરવામાં ન આવી હોવાનું સ્પષ્ટ કરતા તપાસનીશ પોલીસ અધિકારી જે.વી.ઝાલાએ ઉમેર્યું હતું કે, કોર્પોરેશન પાસેથી પૂરતા પુરાવા મળ્યા બાદ જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.