નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત યોજી વિવિધ 6 પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરાઈ: કમિશનરે સહકારની ખાતરી આપીમોરબી: મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં યોજાનારી વસ્તી ગણતરીની પ્રશાસનિક કામગીરી દરમિયાન પ્રાથમિક શિક્ષકોને પડતી વ્યવહારિક અને માનસિક મુશ્કેલીઓ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, મોરબી દ્વારા મોરબીના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી સાથે એક શુભેચ્છા મુલાકાત યોજીને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે.શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, શિક્ષણ જેવા અત્યંત જવાબદારીપૂર્ણ કાર્ય સાથે શિક્ષકો પર વધારાની ફરજોનું દબાણ વધે છે, જેનાથી શિક્ષણ કાર્યને અસર ન થાય તે હેતુસર નીચે મુજબના 6 મહત્વના મુદ્દાઓ પર કમિશનર સાથે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.કમિશનર સમક્ષ કરાયેલી મુખ્ય 6 રજૂઆતો 1. વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં માત્ર શિક્ષકોને જ નહીં, પરંતુ અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓની પણ સમાન રીતે ફરજ ફાળવવામાં આવે જેથી શિક્ષકો પરથી ભારણ ઘટે. 2. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ઇંધણ બચાવો' અભિયાન અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા. 19/05/2026 ના જાહેર કરાયેલ પરિપત્રના અનુસંધાને બધા શિક્ષકોને તેમની શાળા અથવા રહેણાંક સ્થળની નજીકનો વિસ્તાર અથવા તેમના પોતાના જ વોર્ડનો વિસ્તાર સોંપવામાં આવે. જેનાથી વસ્તી ગણતરીની સાથે શિક્ષણકાર્ય કરવામાં પણ સરળતા રહે. 3. B.L.O. તરીકે ફરજ બજાવતા અને ગણતરીદાર તરીકે હુકમ થયેલ શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે, કારણ કે તેઓ અગાઉ SIR જેવી કામગીરી પૂર્ણ કરી ચૂક્યા છે અને હાલમાં પણ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે. 4. હૃદય, કિડની જેવી અસાધ્ય અને ગંભીર બીમારી ધરાવતા તેમજ પ્રેગ્નન્સી (ગર્ભાવસ્થા) ધરાવતી શિક્ષિકા બહેનોને ગણતરીદારની ફરજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવી. 5. એપ્લિકેશન કે સોફ્ટવેર સંબંધિત તકનીકી મુશ્કેલીઓ ટાળવા માટે પૂર્વ તૈયારીઓ કરવામાં આવે અને કામગીરી દરમિયાન કોઈ સમસ્યા ઊભી થાય તો તાત્કાલિક માર્ગદર્શન તથા ટેકનિકલ સપોર્ટ ટીમ ઉપલબ્ધ કરાવવામાં આવે. 6. વસ્તી ગણતરી માટે મહાનગરપાલિકા વિસ્તારમાં મજબૂત સંકલન વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી શિક્ષકોને અનાવશ્યક દોડધામથી મુક્તિ મળે. શિક્ષકો અને અધિકારીઓ વચ્ચે સકારાત્મક અને સંવેદનશીલ સંવાદ જળવાઈ રહે અને કોઈ પણ શિક્ષક સાથે અપમાનજનક કે ધમકીભર્યું વલણ દાખવવામાં ન આવે.ઉપરોક્ત તમામ મુદ્દાઓ શિક્ષકોના માનસિક સંતુલન, કાર્યક્ષમતા તેમજ શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે અત્યંત જરૂરી હોવાનું મહાસંઘે જણાવ્યું છે. આ રજૂઆત પર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી યોગ્ય અને વ્યાવહારિક નિર્ણય લેવા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી સમક્ષ માંગ કરવામાં આવતા, કમિશનર તરફથી પણ આ બાબતે સકારાત્મક સહકાર આપવાની ખાતરી ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiMunicipalCorporation #MunicipalCommissioner #TeachersAssociation #Census2026 #PrimaryTeachers #Representation #MorbiNews