યોગ્ય સંભાળના અભાવે પશુઓના સતત થતા મોત અને અસુવિધા મામલે આંદોલનની ચીમકીમોરબી: મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશ્નર, જિલ્લા કલેક્ટર અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે.સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ ભાંભણીયા, રાણોવાડીયા દેવેશ મેરૂભાઈ અને ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા દ્વારા કરવામાં આવેલી સંયુક્ત રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી સ્થિત નંદીઘરમાં હાલમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે, જેના કારણે ત્યાં રાખવામાં આવેલા ગાયો અને આખલાઓના જીવ જોખમમાં મુકાયા છે.3 દિવસમાં 11 થી વધુ પશુઓના મોતનો દાવોનંદીઘરમાં આશરે 900 થી વધુ ગાયો અને આખલાઓ રાખવામાં આવ્યા છે, પરંતુ યોગ્ય સંભાળના અભાવે સતત પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે. સામાજિક કાર્યકરોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તારીખ 18-05-2026 ના રોજ 8 થી 9 પશુઓ, તારીખ 19-05-2026 ના રોજ 2 થી 3 પશુઓ અને તારીખ 20-05-2026 ના રોજ પણ 1 પશુનું મૃત્યુ થયું છે. સતત થઈ રહેલા આ મૃત્યુ ગંભીર બેદરકારી દર્શાવે છે.સ્થળ મુલાકાત દરમિયાન સામે આવેલી ગંભીર ખામીઓ:• અવાડાઓની ખરાબ સ્થિતિ: નંદીઘરમાં કુલ 3 અવાડા હોવા છતાં માત્ર 2 જ ચાલુ હાલતમાં છે અને 1 અવાડો સંપૂર્ણપણે બંધ છે. ચાલુ અવાડાઓમાં પણ કચરો અને ગંદકી જામી ગઈ છે, જેના કારણે પશુઓને સ્વચ્છ પાણી મળતું નથી.• ચારો અને સફાઈનો અભાવ: 900 થી વધુ પશુઓની સંખ્યા સામે પૂરતો ચારો ઉપલબ્ધ કરાવવામાં આવતો નથી. તેમજ નિયમિત સફાઈ ન થતી હોવાથી અસ્વચ્છતા અને રોગચાળાનો ભય ઊભો થયો છે.• સ્ટાફ અને તબીબોની ગેરહાજરી: ત્યાં રાખવામાં આવેલા 5 કર્મચારીઓમાંથી 3 વ્યક્તિઓ કાર્યક્ષમ ન હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત સ્થળ પરની વિઝિટ ચોપડી તપાસતા એક પણ પશુચિકિત્સકની નિયમિત મુલાકાત નોંધાઈ નથી. તડકામાં શેકાતા પશુઓ માટે પતરાના શેડની પણ યોગ્ય વ્યવસ્થા નથી.સામાજિક કાર્યકરોની મુખ્ય માંગણીઓ અને ચીમકી:સામાજિક કાર્યકરો દ્વારા નંદીઘરની ઉચ્ચસ્તરીય તપાસ કરવા, જવાબદાર ટ્રસ્ટીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા, પૂરતો સ્ટાફ અને પશુઓ માટે પૂરતો ચારો તેમજ સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત નિયમિત પશુચિકિત્સકની મુલાકાત ફરજિયાત કરવા અને ત્યાં બોર બનાવવાની માંગ કરાઈ છે. જો ટૂંક સમયમાં યોગ્ય અને અસરકારક પગલાં ભરવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન તેમજ જરૂર પડ્યે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiNews #Nandighar #AnimalWelfare #MorbiUpdate #GauSeva #MorbiCollector #SocialActivists