તળાવ ઊંડું ઉતારવાનું કામ મેં મંજુર કરાવ્યું હોવાનું કહી બઘડાટી બોલીવાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામે આવેલ કુંડલીના ખારા નામના તળાવને ઊંડું ઉતારવા માટેનું કામ મંજુર થયા બાદ ગામના સરપંચ અને અન્ય વ્યક્તિઓ ચર્ચા કરવા એકત્રિત થયા બાદ સરપંચ પર હુમલો કરી ફડાકા ઝીકી દેવાયાનું ઘટના બની હતી.સામાપક્ષે સરપંચે જાતિ પ્રત્યે હડધૂત કરાયાની ફરિયાદ કરવામાં આવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ તિથવા ગામના સરપંચ ઇસ્માઇલભાઈ આહમદભાઈ પરાસરા ઉ.65એ આરોપી મનું વસરામભાઈ વાઘેલા, મયુર મનુભાઈ વાઘેલા, અમૃત વિરજી વાઘેલા, અશ્વિન જયંતિ વાઘેલા અને રણજીત અમૃતભાઈ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગામનું કુંડલીના ખારા તરીકે ઓળખાતા તળાવને ઊંડું ઉતારવાનું કામ મંજુર કરવામાં આવ્યું હોવાથી આરોપીઓ આ કામ રાખવા માંગતા હોય જેથી પંચાયત ખાતે ચર્ચા માટે એકત્રિત થયા હતા.આ સમયે આરોપીઓએ કામની ગ્રાન્ટ અમે મંજુર કરાવી હોય કામ અમને જ મળવું જોઈએ તેમ કહેતા સરપંચે કામ ખેડૂતોના હિતમાં થશે અને કાપ ગામના ખેડૂતોને જ આપવામાં આવશે તેવું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને સરપંચને ફડાકા મારી સાહેદ શૌક્તરજા અને મુબિનભાઈને ઢીકા પાટુનો માર માર્યો હતો.સામાપક્ષે મનુભાઈ વસરામભાઈ વાઘેલા ઉ.68 રહે.હાલ વાંકાનેર મૂળ રહે.તિથવા વાળાએ આરોપી ઇસ્માઇલભાઈ પરાસરા, અહેમદહુસેન પરાસરા, ઉપ સરપંચ અબ્દુલભાઇ, મુબિન હુસેન પરાસરા તેમજ અન્ય આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી અને તેમના પુત્ર મયુરભાઈ તિથવા ગ્રામ પંચાયત ખાતે તળાવની માટી ખોદવા બાબતે ચર્ચા કરવા ગયા હતા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તમારી જ્ઞાતિને કામ નથી આપવું કહી ઢીકા પાટુનો માર મારતા બનાવ સમયે મોબાઈલ ફોન અને સોનાનો ચેન પડી ગયાનું જાહેર કરી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.