ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતાની મુશ્કેલીઓ દૂર કરવા મુખ્યમંત્રીને સંબોધીને રજૂઆત કરાઈ: કડક પગલાં લેવા માંગમોરબી: આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા રાજ્યમાં પ્રવર્તતી અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતથી પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ટીમે સૂત્રોચ્ચાર સાથે મોરબી જિલ્લા કલેક્ટર મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આ આવેદન આપ્યું હતું અને માંગણીઓ સ્વીકારવા માટે અપીલ કરી હતી.આપના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી એક જ પક્ષને મત આપીને જીતાવતી રહી છે અને તમામ સ્તરે ભાજપ સરકાર હોવા છતાં વર્તમાન પરિસ્થિતિ અસહ્ય બની ચૂકી છે. જો આ પ્રશ્નો પ્રત્યે ત્વરિત ધ્યાન આપવામાં ન આવે, તો રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ જવાની પણ શક્યતાઓ રહેલી છે. હાલ સમગ્ર ગુજરાત રાજ્ય એક અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીએ માઝા મૂકી છે, તો બીજી તરફ રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ બેવડી સમસ્યાના કારણે ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતા આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. આવેદનપત્રમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી: 1. જગતના તાત (ખેડૂતો) ના પ્રશ્નો અને માંગણીઓ: • સમસ્યા: ખેતીની ખેડની સીઝને જ પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળવાને કારણે ટ્રેક્ટરો ઠપ્પ થઈ ગયા છે, જેથી વાવણી પહેલા ખેડુતો ચિંતામાં મુકાયા છે. • માંગણી: ગ્રામ્ય વિસ્તારના તમામ સરકારી અને ખાનગી પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વોટા (અનામત જથ્થો) નક્કી કરવામાં આવે. તેમજ આજે ખેતી કરવી મુશ્કેલ થઈ રહી છે ત્યારે ખાતરના ભાવમાં કરવામાં આવેલો વધારો તાત્કાલિક પાછો લેવામાં આવે અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે. 2. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પ્રશ્નો અને માંગણીઓ:• સમસ્યા: ઇંધણની અછતને કારણે માલવાહક વાહનો હાઈવે પર અટવાઈ પડ્યા છે. સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરો ભારે નુકસાની વેઠી રહ્યા છે.• માંગણી: તમામ હાઈવે પર આવેલા ઇંધણ સ્ટેશનો પર માલવાહક ટ્રક અને ટેમ્પો માટે 24 કલાક પૂરતો ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. તેમજ ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કરાતી કથિત કાપ કે સ્થાનિક સ્તરે થતી સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે કડક વિજિલન્સ તપાસ કમિટી નીમવામાં આવે. 3. સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના પ્રશ્નો અને માંગણીઓ:• સમસ્યા: ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ ભાડા વધવાને કારણે શાકભાજી, ખાદ્યતેલ, અનાજ અને દૂધ જેવી રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહી છે.• માંગણી: મોંઘવારીના આ વિષચક્રમાંથી જનતાને બચાવવા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે પોતાના હસ્તકનો વેટ (VAT) અને સેસ તાત્કાલિક ધોરણે ઘટાડી ઇંધણના ભાવ નીચા લાવવા જોઈએ. તેમજ સંગ્રહખોરો દ્વારા બજારમાં ઊભી કરાતી કૃત્રિમ મોંઘવારી પર લગામ કસવા માટે દરેક જિલ્લા સ્તરે 'પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ' કાર્યરત કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.#Morbi #AamAadmiParty #Collector #Memorandum #Inflation #DieselShortage #Farmers #Transport #MorbiNews